રાજપીપલા: રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા મધ્ય સત્ર ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાની (1) 22-ઝાંક તાલુકા પંચાયત મતદાર મંડળ તથા (2) 2-ભાદોડ તાલુકા પંચાયત મતદાર મંડળની પેટા ચૂંટણી માટે તા. 16/2/2025 ને રવિવારના રોજ મતદારો દ્વારા મતદાન યોજાયું હતું. જેની તા.18/2/2025 ને મંગળવારના રોજ સાગબારા તાલુકા પંચાયત ખાતે અને દેડિયાપાડા સેવાસદન ખાતે પણ સવારે 9.00 કલાકે ચૂંટણી અધિકારીશ્રી તથા ઉમેદવારો અને તેના પ્રતિનિધિઓની હાજરીમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
Decision News ને મળતી માહિતી મુજબ દેડિયાપાડા તાલુકા મતદાર વિભાગની 22-ઝાંક(અ.આ.જા.) તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ ચાર હરિફ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કુલ4732 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે પૈકી શ્રી ગંભીરભાઈ જાતરીયાભાઈ વસાવાને 413 મત, શ્રી રાહુલભાઈ મથુરભાઈ વસાવાને 2638 મત, શ્રી સુરેશભાઈ ખાનસિંગભાઈ વસાવાને 1479 મત અને શ્રી રાજેન્દ્રભાઈ ઠાકોરભાઈ વસાવાને119 મત મળ્યા હતા, જ્યારે નોટામાં 83 મત પડયા હતા.
તેવીજ રીતે સાગબારા તાલુકા મતદાર વિભાગની 2-ભાદોડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ ત્રણ હરિફ ઉમેદવારો નોંધાયા હતા. જ્યારે કુલ ૪૩૩૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે પૈકી શ્રીમતી સરજનાબેન અશ્વિનભાઈ વસાવાને 2110 મત, શ્રીમતી સરલાબેન અર્જુનભાઈ વસાવાને 491 મત, શ્રીમતી સંધ્યાબેન પ્રવિણકુમાર વસાવાને 1688 મત મળ્યા હતા અને નોટામાં 49 મત પડયા હતા. બંને તાલુકા મથકોએ ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાયેલી આ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

