ડાંગ: ડાંગ જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ ગંભીર માર્ગ અકસ્માત સર્જાયા છે.પહેલો અકસ્માત સાપુતારા થી વઘઈને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માલેગામ ઘાટમાં થયો, જ્યાં નાસિક કનાશીથી વડોદરા જઈ રહેલી શેરડીનો જથ્થો ભરેલી ટ્રક પલટી ગઈ હતી.

બીજો અકસ્માત સુબીર તાલુકાના ગોંડલવિહીર ગામે થયો, પપૈયા ભરેલી ટ્રકનું પાછળનું ટાયર ફાટી જતાં વાહન પલટી ગયું હતું. ત્રીજો અને સૌથી ગંભીર અકસ્માત આહવા નજીક ઘોઘલી ઘાટમાં થયો, જ્યાં સિમેન્ટ ભરેલી 22 વ્હીલની ટ્રક 50 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આ ત્રણેય અકસ્માતમાં ટ્રકોને મોટું નુકસાન થયું છે. માલેગામ અને ગોંડલવિહીરના અકસ્માતમાં ઘાયલ થયેલા ડ્રાઈવર અને ક્લીનરને શામગહાન સામ હિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી છે. જ્યારે ઘોઘલી ઘાટમાં થયેલા અકસ્માતમાં ડ્રાઈવરને છાતી અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ અકસ્માતોની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી.