બીલીમોરા: આજરોજ બીલીમોરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન સવારથી શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું હતું. પરંતુ પાલિકાના વોર્ડ નંબર-2 ના બૂથ નંબર પાંચમાં સવારે 10 વાગ્યાની આસપાસ ગરબડી જણાઈ હતી. EVMમાં મતદાન ન થતા કોંગ્રેસી ઉમેદવાર રામબાબુ શુક્લાએ મશીનમાં ગરબડી હોવાના આક્ષેપો કર્યા હતા.

Decision news ને મળેલી માહિતી મુજબ કોંગ્રેસી ઉમેદવાર રામબાબુ શુક્લાનું બટન ન દબાતું હોવાના આરોપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. EVMમાં ગરબડી જણાતા મશીન બદલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેને લઈને વોર્ડ નંબર 2ના બુથ નંબર પાંચ ઉપર મતદાન અટક્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે મતદાન મથક પર આવી રીવોટિંગની માંગ કરી હતી. સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે EVM પર સવાલો ઉઠાવી આક્ષેપો કર્યા હતા.

મતદાન મથક પર થયેલા હોબાળાના પગલે પોલીસે મધ્યસ્થી કરાવી ઉમેદવાર તેમજ જિલ્લા પ્રમુખની ચૂંટણી અધિકારીને રજૂઆત કરાવવાનું જણાવી શાંત પાડ્યા હતા. સમગ્ર ગરબડીને કારણે છેલ્લા દોઢ કલાકથી ઇવીએમ મશીન ખોટકાતા મતદારોએ પાછા જવાની ફરજ પડી હતી. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે ઇવીએમ ખોટકાતા રીવોટીંગની માંગ કરી હતી. સાથે જણાવ્યું હતું કે, ઇવીએમ મશીન ખરાબ થવું તે સામાન્ય બાબત છે. પરંતુ આ વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં રામબાબુ શુક્લાની ઉમેદવારી છે જે આ વોર્ડમાં હોટ ફેવરિટ છે. જ્યારે એમનું બટન બગડી જાય તે શંકા ઉપજાવે તેવી વાત છે. જેથી અમે જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી વોટિંગ થવા દેવાના નથી.

ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલે જણાવ્યું હતું કે, મશીન ખરાબ થયું છે તેની જાણ ઉમેદવારે પ્રિસાઇડિંગ ઓફિસરને કરી હતી. પ્રોટોકોલ મુજબ ઇવીએમ મશીન ખોટકાય તો તેના બદલામાં બીજું ઇવીએમ મશીન મૂકવાનું હોય છે. જેને લઈને તાત્કાલિક મશીન બદલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલ મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે.