સુરત: 15 માંથી 10 પીધેલા યુવાનો પટેલ સમાજના હોય છે એવા પાટીદાર મહિલા PSI ના ઉપદેશાત્મક જાહેર સમારંભમાં આપેલ નિવેદનને લઈને ગોપાલ ઇટલીયા કહ્યું કે એનો મતલબ કે, પોલીસ દારૂબંધી ડામવામાં નિષ્ફળ રહી છે. સુરત પોલીસને દારૂના અડ્ડાનું લિસ્ટ આપીને કાર્યવાહી કરવા પડકાર ફેંક્યો છે.

સરથાણા વિસ્તારમાં ચાલતા દારૂના પ્રખ્યાત અડ્ડાઓ
(1) શક્તિ વિજય સોસાયટી, આશાદીપ સ્કુલના ગેટની સામે શેરીમાં ડાબી સાઈડનું છેલ્લું મકાન
(2) પટેલ ફળિયું, માટલાવાળું મકાન, આશાદીપ સ્કુલની બાજુમાં, કુબેરનગરની સામે
(3) તાપી કિનારે સરથાણા ગામ, દારૂ ગાળવાની પાંચ ભઠ્ઠીઓ, સરથાણામાં દારૂનો સપ્લાય
(4) સિલ્વર બીઝનેસ હબના પાર્કિંગમાં દારૂ ભરેલી ગાડીઓ રાખી, પાનના ગલ્લેથી સપ્લાય કરે છે
(5) ડાયમંડ નગરમાં ઓછામાં ઓછા 20 થી વધુ દારૂના અડ્ડાઓ આવેલા છે, (ડાયમંડ નગર અત્યાર સુધી સરથાણા પોલીસની હદમાં આવતું હતું, એકાદ મહિનાથી ત્યાં નવું પોલીસ સ્ટેશન બન્યું છે.)
આ ઉપરોક્ત લીસ્ટ સરથાણા વિસ્તારના માત્ર પ્રખ્યાત દારૂના અડ્ડાઓનું લીસ્ટ છે. આ સિવાય પણ અનેક નાના-મોટા અડ્ડાઓ સરથાણામાં ચાલી રહ્યા છે. રોજ રાત્રે પંદર પીવાવાળાને પકડાવાની માથાકૂટ કરવાના બદલે રોજ દિવસે પંદર બુટલેગરોને પકડી લેવામાં આવે તો પણ સરથાણા વિસ્તારમાંથી દારૂનું દુષણ દુર કરી શકાય એમ છે.

સુરતમાં દારૂના અડ્ડાનું લિસ્ટ આપતો પત્ર સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં દારૂ બાબતે નેતા, પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠ વિશ્વપ્રસિદ્ધ છે. ગુજરાતનું કોઈ સ્થળ એવું નથી કે જ્યાં દારૂ ન મળતો હોય પરંતુ છતાંય દારૂ અને વ્યસનમુક્તિ બાબતે મોટીવેશનલ સ્પીકર બનવાનો પોલીસનો અધિકાર છે. ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે, કઈ જગ્યાએ રાખે છે, ક્યાંથી વેચે છે એ તમામ બાબતે પોલીસ અજાણ હોય એવું બિલકુલ શક્ય નથી પરંતુ હમણા હમણા સરથાણા પોલીસ સ્ટેશન દારૂ બાબતે ચર્ચામાં આવેલ છે ત્યારે પોલીસની મદદ કરવા માટે સરથાણા વિસ્તારના દારૂના અડ્ડાનું લીસ્ટ મોકલું છું. દારૂનો જથ્થો ઓછો બતાવી ક્વોલીટી કેસને મામુલી કેસમાં ખપાવી દેવાની અને પંચનામા વિગતે નીલ રેઈડ બતાવવાની અદભુત કળા હું પોતે પોલીસમાં હતો ત્યારે જ શીખેલી છે એટલે દારૂના અડ્ડા બાબતે સરથાણા પોલીસ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે એવી મને બિલકુલ આશા નથી અને કાર્યવાહીની અપેક્ષા પણ રાખતો નથી.