ડેડીયાપાડા: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કેવડીયા બચાવો આંદોલન સમિતિના ડૉ. પ્રફુલ્લ વસાવાએ રાજ્ય સરકાર સામે મહત્વપૂર્ણ માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે સરકારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા દેશદ્રોહ સહિતના કેસો પરત ખેંચ્યા છે,ત્યારે અન્ય સામાજિક આંદોલનોમાં થયેલા કેસો પણ પરત ખેંચવા જોઈએ.

Decision News  ને મળેલી માહિતી મુજબ ચૈતર વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમુદાયના આંદોલનો ઉપરાંત વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતોના આંદોલનો દરમિયાન થયેલા કેસો પણ પરત ખેંચવામાં આવે. તેમણે સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, એક સમુદાયને ન્યાય અને બીજાને અન્યાય એ યોગ્ય નથી.

કેવડીયા બચાવો આંદોલન સમિતિના ડૉ. પ્રફુલ્લ વસાવાએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં વિવિધ સમાજના યુવાનો પર અનેક કેસો થયા છે, પરંતુ મુખ્યમંત્રીએ માત્ર પાટીદાર આંદોલનના કેસો પરત ખેંચ્યા છે, જે સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ માંગણી સાથે બંને નેતાએ સરકાર પાસે તમામ સામાજિક આંદોલનોમાં થયેલા કેસોને સમાન ન્યાયના ધોરણે જોવાની અપેક્ષા વ્યક્ત કરી છે.