ડાંગ: સાપુતારા ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇ માર્ગનાં બારીપાડા ચીખલી નજીક ટેમ્પો વૃક્ષ સાથે ભટકાતા અચાનક શોર્ટ સર્કિટનાં કારણે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહારાષ્ટ્રનાં નાસિક તરફથી શનિવારે માલ સામાનનો જથ્થો ખાલી કરી પરત સુરત તરફ જઈ રહેલ ટેમ્પો (નં.જીજે-05-એવી-6840) સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારીપાડા-ચીખલી નજીક ચાલક દ્વારા સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા.
Decision News ને મળેલી મળેલી માહિતી મુજબ આ ટેમ્પો માર્ગની સાઈડમાં આવેલા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાયો હતો. અહીં ટેમ્પો વૃક્ષ સાથે અથડાતા શોર્ટ સર્કિટનાં પગલે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ બનાવની જાણ સાપુતારા નોટીફાઈડ એરીયા કચેરીનાં નાયબ મામલતદાર પ્રવીણસિંહ પરમારને થતા તેઓ તથા નોટીફાઇડ વિભાગનાં કર્મીઓ સાથે ફાયર સેફટીનાં સાધનો લઈ ઘટના સ્થળે દોડી ગયા હતા.
ઘટના સ્થળ પર સાપુતારા નોટીફાઈડ એરીયા કચેરીનાં નાયબ મામલતદાર પ્રવીણસિંહ પરમારની ટીમે ટેમ્પોમાં લાગેલ આગ પર કાબૂ મેળવી લેતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો, જ્યારે ટેમ્પો ખૂબ જ બળી જતા ભારે નુકસાન થયું હતું.

