નવસારી: નવસારી શહેરમાં તસ્કરોએ એક જ રાતમાં બે ઘરોને નિશાન બનાવ્યા હતા, જેમાં એક NRI અને બીજું નગરપાલિકાના પૂર્વ સાંસ્કૃતિક કમિટી ચેરમેનનું મકાન હતું. શાંતિવન સોસાયટીમાં આવેલા NRI મહેન્દ્ર પટેલના બંધ મકાનમાં તસ્કરોએ તાળું તોડી પ્રવેશ કર્યો.
Decision News ને મળેલી મળેલી માહિતી મુજબ મકાન હાલ વેચાણ માટે ખાલી હતું. અને તેમાં કોઈ કીમતી સામાન ન હતો. જેથી તસ્કરોના હાથ કંઈ લાગ્યું નહીં. તસ્કરોએ ત્યારબાદ બાજુમાં આવેલા નવસારી વિજલપુર નગરપાલિકાના પૂર્વ સાંસ્કૃતિક કમિટી ચેરમેન પ્રીતિબેન અમીનના ઘરને નિશાન બનાવ્યું હતું. ઘરની બહાર મૂકેલા એડિડાસ કંપનીના આશરે ₹11,000ની કિંમતના બુટની ચોરી કરી ફરાર થઈ ગયા.
CCTV ફૂટેજમાં કેદ થયેલી ઘટના મુજબ, તસ્કરો વહેલી સવારે 3:56 વાગ્યે બાઈક પર આવ્યા હતા. તસ્કરોએ વાહનની આગળ અને પાછળની નંબર પ્લેટ પર રૂમાલ બાંધી રાખ્યો હતો, જેથી તેમની ઓળખ ન થાય. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તસ્કરીના બનાવોમાં વધારો થતો જ રહ્યો છે. શહેરીજનો ચિતિત છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવા માગ કરી રહ્યા છે. આવતીકાલે શહેરમાં પેટ્રોલિંગ વધુ કડક કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

