ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા જાય છે. 75 લાખથી એક કરોડનો ખર્ચો કરીને, દેવા કરીને અને જમીનો વેચીને તથા વ્યાજે પૈસા લઈને પણ કેટલાક લોકો કામ ધંધા માટે અને રોજગાર મેળવવા માટે તથા સ્થાયી થવા માટે અમેરિકા જતા હોય છે. પરંતુ હાલ બીજી વખત રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે ડિપોર્ટેશનની કામગીરી શરૂ કરી છે. પહેલી ખેપમાં 104 જેટલા ભારતીયોને અમેરિકાના લશ્કરી પ્લેનમાં બેસાડીને અમૃતસર લાવવામાં આવ્યા અને તેમાંથી 37 ગુજરાતી હતા, જેમની સઘન પૂછપરછ કરવામાં આવી છે.
વધુમાં કહ્યું કે આવી રીતે વસવાટ કરવા ગયેલા ભારતીયો પર આજે એક જોખમી તલવાર લટકી છે. જેમાં બે લાખથી વધુ ગુજરાતીઓ છે અને સૌથી ૧૭ લાખ લોકો સમગ્ર દેશના છે. હાલ 65 થી 70 લાખ ભારતીય લોકો અમેરિકામાં વસવાટ કરે છે. સમાચારોના માધ્યમથી આપણે સાંભળતા આવ્યા છીએ કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગે છે, અમેરિકા સાથેના સંબંધો અને ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો આપણે સાંભળીએ છીએ ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે કે જે પણ ભારતીયો પર ચિંતાના વાદળો ઘેરાયા છે, એમના માટે અમેરિકાની સરકાર સાથે મળીને અને વાટાઘાટો કરીને, આ મુદ્દા પર કોઈ યોગ્ય નિરાકરણ લાવે તેવી અમારી માંગ છે.
આપણે વિશ્વ ગુરુ બનવાની વાતો કરીએ છીએ અને ગુજરાત મોડલની વાતો કરવામાં આવે છે ત્યારે ગુજરાત સહિત પુરા દેશમાં રોજગારીની એવી તકો ઉભી કરવામાં આવે જેના કારણે લોકોએ આ રીતે પોતાના પરિવારને છોડીને વિદેશમાં ન જવું પડે, એવી અમારી માંગણી છે.