વલસાડ-નવસારી-ડાંગ: આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કેટલાક યુઝર્સ જાતિ, સમાજ અને ધર્મ પર અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર mr_vanraj_thakor_305 નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં આદિવાસી સમાજની મા-બહેનો પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. આ વીડિયો વાયરલ થતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે.
આદિવાસી સમાજમાં ઉગ્ર પ્રતિક્રિયા આ ઘટનાને લઈને સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોની લિંક અને સ્ક્રીનશોટ શેર કરીને લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. યુઝર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
સોશિયલ મીડિયામાં વિરોધ અને કાયદેસર કાર્યવાહીની માગ આદિવાસી સમાજના લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્તાવાળાઓને ટેગ કરીને આ મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા માટે દબાણ વધાર્યું છે. તેઓનું કહેવું છે કે, કોઈ પણ સમાજ કે જાતિ વિરુદ્ધ આવા નિમ્નકક્ષાના કોમેન્ટ્સ કરવું અસહ્ય છે અને આવા લોકો સામે ઉગ્ર કાર્યવાહી થવી જોઈએ.
ગુજરાત સાઇબર સેલએ પગલાં ભરવા જોઈએ સોશિયલ મીડિયા પર આવા કિસ્સાઓ વધી રહ્યા છે, જેના કારણે સમાજમાં ભડકાઉ પ્રવૃતિઓ વધી શકે છે. ગુજરાત સાઇબર સેલને આવા લોકો સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ જેથી આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિ આમ કરવાનો સાહસ ન કરે. આદિવાસી સમાજના આગેવાનોએ અને યુવાનોના ગ્રૂપોએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. હવે જોવાનું એ રહેશે કે સત્તાવાળા તંત્ર આ મામલે કઈ રીતે કાર્યવાહી કરે છે.