ચીખલી: ચીખલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના ઢોલુમ્બર ગામે આંગણવાડીના મકાનનું કામ છેલ્લા બે વર્ષથી અધૂરું રહેતા સ્થાનિકોનો ગુસ્સો ખૂબ જ વધી ગયો છે. ગ્રામસભામાં ઉપસ્થિત રહેલા ડીડીઓને રજૂઆત બાદ પણ બાંધકામ શરૂ ન થઈ. ચીખલી તાલુકાના છેવાડાના ઢોલુમ્બર ગામના નિશાળ ફળિયાની આંગણવાડીમાં 20ની આસપાસ બાળકો અભ્યાસ કરે છે. આ આંગણવાડીનું મકાનનું કામ બે વર્ષ પૂર્વે તાલુકા પંચાયત દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ આ મકાનનું બાંધકામ લિન્ટલ લેવલે આવ્યા બાદ કોઈક કારણોસર અટકી ગયું હતું. જેને આજે બે વર્ષનો સમય વીતવા છતાં જેમની તેમ હાલતમાં જોવા મળી રહ્યું છે. આંગણવાડીનું મકાન ન હોવાથી શરૂઆતમાં બાળકોને ગામની દુધ ડેરીના મકાનમાં બેસાડવામાં આવતા હતા પરંતુ ત્યાં અવ્યસ્થા સર્જાતા બાળકોને ગામમાં આવેલ ઇંટના ભઠ્ઠા પાસે શ્રમિકોના રહેવા માટે બનાવાયેલા મકાનમાં સ્થળાંતર કરવામાં આવ્યું.
હાલ આજ મકાનમાં બાળકો પોતાના કારકિર્દીની પા-પા પગલી ભરી રહ્યાં છે. નિશાળ ફળિયાની આંગણવાડીના અધૂરા બાંધકામ બાબતે થોડા મહિના પહેલા ખાસ ગ્રામસભામાં હાજર રહેલા જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામજનો દ્વારા ઉગ્ર રજુઆત કરાઈ હતી અને ત્યારે ટૂંક સમયમાં કામ શરૂ થવાની ખાતરી પણ અપાઈ હતી, તેમ છતાં પણ આજ સુધી કામ શરૂ થયું નથી. આ આંગણવાડીના મકાન માટે ગામના દાતા દ્વારા જમીન પણ દાનમાં આપવામાં આવી હતી પરંતુ બે-બે વર્ષથી બાંધકામ જ પૂરું ન કરાતા ગ્રામલોકોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર રજૂઆત છતાં કામ શરૂ થયું નથી અમારી નિશાળ ફળિયાની આંગણવાડીનું મકાન છેલ્લા બે વર્ષથી અધૂરું છે. હાલ બાળકોને ઇંટના ભઠ્ઠા પાસે શ્રમિકોના રહેવાના મકાનમાં કેળવણી આપવામાં આવી રહી છે.