દક્ષિણ ગુજરાત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા સાહેબ, કુલ સચિવ શ્રી ડૉ. રમેશદાન ગઢવી સાહેબ અને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ ગાયકવાડ સાહેબની પ્રેરણાથી સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ.
DECISION NEWS ને મળેલી માહિતી પ્રમાણે શૈક્ષણિક પ્રવાસમાં પ્રથમ ઉનાઈધામ જે ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે જેની મુલાકાત લેવામાં આવી ત્યારબાદ જાનકીવન અને બોટેનિકલ ગાર્ડન જ્યાં દુર્લભ ઔષધિઓ અને વનસ્પતિઓ તથા વૃક્ષોનો અમૂલ્ય ખજાનો છે એની મુલાકાત લીધી હતી. અંબિકા નદી પર પ્રકૃતિના ખોળે વસેલું રમણીય સ્થળ ગીરાધોધ અને ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન તરીકે જાણીતા સાપુતારાની મુલાકાત લીધી હતી.
જ્યાં સાપુતારા સંગ્રહાલયમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી આપતો વારસો જેમ કે, કાથોડી,વારલી,માવચી,કુનબી અને ડાંગી આદિવાસી સમુદાયની રહેણીકરણી-રીતભાતનો વિદ્યાર્થીઓને પરિચય થયો. માછલીઘરમાં દેશ વિદેશની રંગબેરંગી માછલીઓ વિદ્યાર્થીઓએ નિહાળી. આ ઉપરાંત સનસેટ પોઈન્ટ, સાપુતારા તળાવ, પુષ્પક રોપવે, સ્ટેપ ગાર્ડન, પેરાગ્લાઈન્ડિંગ વગેરે જેવા મનોરંજનની સાથે સાથે જ્ઞાનવર્ધક સ્થોળોનો લાહવો પણ વિદ્યાર્થીઓએ લીધો. આ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું સમગ્ર સંચાલન ડૉ. જીતેન્દ્ર વસાવાએ કર્યું હતું. જેમાં વિભાગના સૌ અધ્યાપકોએ પણ સહયોગ આપ્યો હતો.