નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અંચેલી ગામ નજીક આવેલી નહેર પાસે એક કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. બપોરે 11:30 કલાકે નવસારી-અમલસાડ રોડ પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી નહેરમાં ખાબકી હતી.
Decision News ને મળેલી મળેલી જાણકારી પ્રમાણે સદભાગ્યથી નહેરમાં પાણીનું સ્તર ઓછું હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. કારમાં સવાર પરિવારે મદદ માટે બૂમો પાડતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો તરત જ મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની ત્વરિત કાર્યવાહીને કારણે કારમાં ફસાયેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.
આ ઘટના સાથે એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે કે અંચેલી નહેર પાસે સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે. આ વિસ્તારમાં વારંવાર આવા અકસ્માતો બનતા રહે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે જો નહેરની બંને બાજુ સુરક્ષા દીવાલ બનાવવામાં આવે તો આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ ગંભીર ઘટના અંગે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.