મહીસાગર: મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અતિ અંતરિયાળ વિસ્તારમાં આવેલ રણકપુર ગામે દીકરીને નોકરી માટે જાતિના દાખલા માટે કચેરીના ધક્કા ખાઈ કંટાળેલા પિતાએ આખરે સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.રણકપુર ગામે રહેતા સ્વ ઉદાભાઈ ડામોર જી આર ડી ઈ જવાન તરીકે ફરજ બજાવતા હતા. તેમની દીકરીને વાવ તાલુકાના થરાદ વિસ્તારમાં પોસ્ટ ઓફિસમાં નોકરી મળી હતી. તેઓ અનુસૂચિત જનજાતિના હોવાથી જાતિ આધારિત નોકરી મળી હતી. પરંતુ પોસ્ટ ઓફિસમાં મળેલ નોકરી માટે જાતિનો દાખલો અંગ્રેજીમાં દિવસ 10 મા જમા કરાવવા જણાવતા ઉદાભાઈએ કડાણા મામલતદાર કચેરીએ સતત 20,25 દિવસ ધક્કા ખાધા પરંતુ દાખલો ન મળતા તેઓ થાકી ગયા હતા.
Decision News ને મળતી માહિતી મુજબ દીકરી સરકારી નોકરી ગુમાવશે એવી ચિંતામાં ઉદાભાઈએ ઘર નજીકના ખેતરમાં વૃક્ષ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યશ્રી અને ભીલીસ્થાન ટાઇગર સેના BTS, ભીલીસ્થાન વિકાસ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહેશભાઈ વસાવા , શ્રી દેવેન્દ્રભાઈ મેડા દાહોદ રાજકીય અને સામાજીક આગેવાનો અને તેઓની ટીમ દ્વારા લોકોની રજૂઆતોને આધારે આજે સ્વ ઉદાભાઈના ઘરની મુલાકાત લીધી હતી અને તોએને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેએના કુટુંબી જનોને સાંત્વના પાઠવી હતી.પૂર્વ ધારાસભ્યશ્રી મહેશભાઈ વસાવાએ જણાવ્યું કે આ ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરનો મત વિસ્તાર છે. આ ઘટના ખુબજ દુઃખદ છે અને આ વિસ્તારમાં જાગૃતતાનો ખુબ અભાવ છે.
ઘટના બન્યાના આજ દિન સુધી એક પણ રાજકીય આગેવાનોએ આ પીડિત પરીવારની મુલાકાત લીધી નથી. પૂર્વ ધારાસભ્યશ્રી મહેશભાઈ એ સ્થળ ઉપરથી જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પી એસ.આઈ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે હેરાન પરેશાન કરનાર અધિકારીઓ વિરુદ્ધ હાલ કોઈ FIR દાખલ થઈ નથી. ઉદાભાઈ દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટ FSLમાં મોકલવામાં આવેલ છે .રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે. પૂર્વ ધારાસભ્ય શ્રી એ જણાવ્યું કે અમે પીડિત પરિવાર સાથે છીએ જો આવનાર સમયમાં પીડિત પરિવારને ન્યાય નહિ મળે તો BTS/BVM ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે..આ બાબતની રજુઆત મુખ્યમંત્રી શ્રી તથા રાજ્યપાલને રૂબરૂ મળી ન્યાય માટે માંગણી કરશે…..