ધરમપુર: હાલમાં વલસાડના ધરમપુર કપરાડા તાલુકામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે હવામાન ખાતાની આગાહીને લઈને ખાસ કરીને કેરીની ખેતી કરતાં ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે.

વહેલી સવારે ધુમ્મસભર્યાં વાતાવરણમાં લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગામડાના લોકો સ્વેટર, જેકેટ અને શાલ જેવા ગરમ વસ્ત્રો પહેરીને નજરે પડી રહ્યા છે. Decision News ને મળેલી માહિતી મુજબ હવામાન વિભાગે 2થી 5 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ આગાહીથી ખાસ આંબાવાડીવાળા ખેડૂતો માટે આ ચિંતાજનક સ્થિતિ છે. ઠંડી અને ધુમ્મસના કારણે આંબાવાડીઓમાં આવેલો મોર કાળો પડવા લાગ્યો છે, જો આગામી દિવસોમાં કમોસમી વરસાદ આવે તો મોટા નુકસાન ભોગવવાનો વારો આવી શકે એમ છે. ખેડૂતો એમ કહી રહ્યા છે કે મોસમ ના બગડે તો સારું નહીં તો અમે ક્યાંય ના નહીં રહીએ અમારા પર મોટી મુસીબત તૂટી પડશે.