સુરત: માંડવીમાં ખરાબ રોડ-રસ્તાને પગલે માંડવી-ઝંખવાવ રોડ અને નેશનલ હાઈવે 56 પર સ્થાનિકોએ ટ્રાફિક જામ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી પણ રસ્તા રોકો આંદોલનમાં જોડાયા છે. ખરાબ રસ્તાના કારણે લોકો રોષે ભરાયા છે અને વિરોધ નોંધાવ્યો છે આ ઉપરાંત અહીં ટાયરો પણ સળગાવવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.ટ્રાફિક જામના પગલે હાઇવે અઢી કલાક બંધ રહ્યો હતો.
Decision news ને મળેલી માહિતી મુજબ ખરાબ રોડ રસ્તાને લઈને માંડવી-ઝંખવાવ રોડ અને નેશનલ હાઈવે 56 પર લોકોએ ટ્રાફિક જામ કર્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી પણ જોડાયા હતા. રોડની વચ્ચે બેસી લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. લોકો એ ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ તંત્ર સામે નોંધાવ્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે સળગતા ટાયરો માર્ગ પરથી દૂર કરવાની તજવીજ હાથધરી છે. લોકોએ સુત્રોચાર કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો.
પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી, મેન્ટેન્સ કરતા નથી, 1 વર્ષમાં અકસ્માતમાં 40થી વધુ લોકોના મોત થયા છે અને અસંખ્ય લોકોના હાથ પગ તૂટ્યા છે.15 દિવસથી અમે રસ્તા રોકો અંગે માહિતી આપી હતી છતાં પણ સરકારે દરકાર રાખી નથી.માંડવીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાનીમાં સ્થાનિકો દ્વારા ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો. સ્થાનિકો ટસના મસ નહીં થતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને હાઇવે અઢી કલાક બંધ રહ્યો હતો. માંડવી મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાઇવે ઓથોરિટીના અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી. માંડવી મામલતદારે બાહેધારી આપતા આંદોલન સમેટાયુ હતું. નેશનલ હાઇવે 56 વાપી શામળાજી હાઇવે ફરી કાર્યરત કરાયો હતો.