વલસાડ: વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વર્ષે કુલ 49,849 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં SSCના 30,825, HSC સામાન્ય પ્રવાહના 13,281 અને વિજ્ઞાન પ્રવાહના 5,743 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Decision news ને મળેલી માહિતી મુજબ જિલ્લામાં કુલ 55 પરીક્ષા કેન્દ્રો પર 152 શાળાઓમાં આવેલા 1,794 વર્ગખંડોમાં CCTV કેમેરાથી સજ્જ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. SSCની પરીક્ષા 32 કેન્દ્રોમાં 89 શાળાઓના 1,073 વર્ગખંડોમાં, HSC સામાન્ય પ્રવાહની પરીક્ષા 15 કેન્દ્રોમાં 39 શાળાઓના 429 વર્ગખંડોમાં અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 8 કેન્દ્રો પર 24 શાળાઓના 292 વર્ગખંડોમાં યોજાશે.રાજ્ય પરીક્ષા સમિતિના નિર્ણય મુજબ પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ દરમિયાન યોજાશે.

SSCની પરીક્ષા સવારે 10:30 થી 1:45 દરમિયાન અને HSCની પરીક્ષા બપોરે 3:00થી 6:15 દરમિયાન લેવામાં આવશે. આ વર્ષે ઉમરગામના વિદ્યાર્થીઓ માટે એક નવું પરીક્ષા કેન્દ્ર ઉમેરવામાં આવ્યું છે, જેથી તેમને વાપી સુધી જવું નહીં પડે. વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દમણ અને દાદરા નગર હવેલી સંઘ પ્રદેશમાં પણ બોર્ડની પરીક્ષાનું સંચાલન કરે છે. પરીક્ષા સમિતિ દ્વારા રાજ્ય પરીક્ષા સમિતિની તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here