મહીસાગર: મહીસાગરના કડાણા તાલુકાના રણકપુર ગામની યુવતીને પોસ્ટ વિભાગમાં નોકરી ન મળી હતી. આ માટે તેને જાતિના દાખલાની જરૂર હતી. કેન્દ્ર સરકારની નોકરી હોવાથી અંગ્રેજીમાં દાખલો માંગવામાં આવ્યો હતો. આ દાખલો લેવા માટે યુવતીના પિતા મામલતદાર કચેરીમાં છેલ્લા એકાદ મહિનાથી ધક્કા ખાતા હતા, પરંતુ દાખલો નહી મળતા દીકરીને નોકરી જતી રહેશે તેવી ચિંતામાં પિતાએ આપઘાત કરી લીધો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ મૃતક ઉદાભાઈ ડામોરના પરિવારજનોના આક્ષેપો મુજબ ઉદાભાઈની દીકરી દ્રુવિયાને વાવ થરાદ ખાતે કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગમાં નોકરી મળી હતી. દુવિશા એસ.ટી. હોવાથી પોસ્ટ વિભાગમાં જાતિનો દાખલો રજૂ કરવાનો હતો પરંતુ દ્રુવિશાનો દાખલો ગુજરાતીમાં હતો જ્યારે પોસ્ટ વિભાગે અંગ્રેજી દાખલાની માંગ કરીને 10 દિવસમાં દાખલો જમા કરાવવા માટે સૂચના આપી હતી, આ વાત દ્રુવિશાએ તેના પિતા ઉદાભાઈ ડામોરને કહી હતી જેથી ઉદાભાઈ કડાણા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં અંગ્રેજીનો દાખલો લેવા માટે ગયા હતા. અહી તેને રોજ અલગ અલગ કારણોથી પાછા મોકલવામાં આવતા હતા. સતત 20 દિવસ સુધી ધરમ ધક્કા ખાઇને ઉદાભાઇ થાક્યા હતા. પરિવારનું પેઢીનામું, પિતા, દાદા તથા પરિવારના અન્ય લોકોના એસ.ટી.દાખલા સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા તેમ છતાં મામલતદાર કચેરીના અધિકારીઓ અવનવા પુરાવા માંગીને હેરાન કરતા હતા.
પોસ્ટ વિભાગની 10 દિવસની મુદત પુરી થઇ ગઇ હતી એટલે દીકરીની નોકરી જતી રહેશે તેવા વિચારો સાથે ઉદાભાઈ ચિંતામાં રહેતા હતા. મામલતદાર માટે બે મિનિટનું કામ હતુ તે કામ માટે 25 દિવસ થયા છતા દાખલો મળ્યો નહતો. આખરે ચિંતામાં ડૂબેલા પિતાએ સ્યૂસાઇડ નોટ લખીને ઘર નજીક આવેલા ખેતરમાં ઝાડ ઉપર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સ્યૂલસાઇટ નોટમાં નાયબ મામલતદાર અને મામલતદારના ત્રાસથી હું આત્મહત્યા કરી રહ્યો છું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિસાગર ડીવાયએસપીનું કહેવું છે કે, આ ઘટનાની તપાસ કડાણા પી આઈ કરી રહ્યા છે હાલ જે લાશ મળી છે તેમાં એક ચિઠ્ઠી મળી આવી છે અમે આ ચિઠ્ઠીની ચકાસણી કરવમાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.