સુરત: નવાગામ ડિંડોલીમાં ધોરણ 7ના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. સ્કૂલેથી ઘરે આવ્યા બાદ નોટબુક લેવા જવાનું કહી વિદ્યાર્થી બહાર જતો રહ્યો હતો. વિદ્યાર્થી ઘરે પરત આવતા માતાએ રખડવા બાબતે ઠપકો આપી પિતાને જાણ કરવાનું કહેતા વિદ્યાર્થીએ આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ નવાગામ કેશવનગર ખાતે રહેતા રોહીદાસ પાટીલ મજૂરી કામ કરે છે. તેમના પત્ની આંગણવાડી વર્કર તરીકે કામ કરી પરિવારના ગુજરાનમાં મદદરૂપ થાય છે. તેમનો 13 વર્ષીય પુત્ર સંકેત નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. સોમવારે બપોરે સંકેત સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે બહેનને મિત્રને ત્યાં નોટબુક લેવા જવાનું કહી સાઈકલ લઈ નીકળી ગયો હતો.
દરમ્યાન તેની માતા કામ માટે ઘરે આવ્યા ત્યારે બહારથી આવેલા સંકેતને રખડવા બાબતે ઠપકો આપ્યો હતો અને તેના પિતાને ફોન કરી રહ્યા હતા. ત્યારે સંકેતે ફોન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેમા ફોન પણ પડી ગયો હતો જેથી ડરી ગયેલા સંકેતે ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. તેને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માતાના ઠપકા અને પિતાના ડરના કારણે તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.