ભરૂચ: રિક્ષામાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને ભરી દોડતા ચાલકનો દ્રશ્ય સામે આવ્યા છે. RTOની કાર્યવાહીની માંગ ભરૂચના ડુંગરી વિસ્તારમાં સ્કૂલ વાહન ચાલકોની બેદરકારી સામે આવી છે.એક ઓટો રિક્ષામાં ક્ષમતા કરતાં બમણા વિદ્યાર્થીઓને ભરીને લઈ જતો ચાલક જોવા મળ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ ઘટના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બની છે.રિક્ષા ચાલક નિયમોનું ઉલ્લંઘન કરી વધુ કમાણી માટે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહ્યો છે. આ સમસ્યા માત્ર ડુંગરી વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સ્કૂલ વાહનો દ્વારા આવી બેદરકારી કરવામાં આવી રહી છે.
ભૂતકાળમાં આવી બેદરકારીના કારણે અનેક અકસ્માતો થયા છે અને કિંમતી જીવ ગુમાવવા પડયા છે. સ્થાનિક લોકોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસ તથા RTO વિભાગ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન ન કરવું અને બાળકોની સલામતી સાથે ચેડાં કરવા બદલ કડક પગલાં લેવાની જરૂરિયાત છે. આ ઘટના બાદ શહેરમાં સ્કૂલ વાહનોની સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વાલીઓએ પણ પોતાના બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને આ બાબતે સત્તાધીશો પાસે યોગ્ય પગલાંની અપેક્ષા રાખી છે.