સુરત: સુરતમાં કારમાં લાગેલી આગ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી, અડધી કાર બળીને ખાખ સુરતના ભટાર રોડ ઉપર મોડી રાત્રે 3 કલાકે કારમાં આગ લાગવાની ઘટના બની હતી. રોડ પર પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયરના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો માર ચલાવ્યો હતો. જો કે, આગ કાબૂમાં આવે એ પહેલા તો કાર અડધી બળીને ખાખ થઈ ગઈ હતી.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરતના ભટાર વિસ્તારમાં આવેલ રામ માર્બલની સામે છેલ્લા ઘણા સમયથી એક ફોરવ્હીલર કાર પાર્ક કરેલી હતી. જેમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પાર્ક કરેલી કારમાં આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
કારમાં આગ કઈ રીતે લાગી તે અંગે તપાસ હાથ ધરાઈ આ આગની ઘટના અંગે મજૂરા ગેટના સબ ફાયર ઓફિસર અક્ષયભાઈના જણાવ્યા પ્રમાણે, મોડી રાત્રે 3:10 કલાકે કંટ્રોલ રૂમમાં ભટાર વિસ્તારમાં શ્રીરામ માર્બલની સામે ફોરવ્હીલર કારમાં આગનો કોલ મળ્યો હતો. જેથી ફાયરની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સળગતી કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જાણવા મળ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આ કાર રોડ પર જ પાર્ક કરેલી હતી. કારમાં આગ કઈ રીતે લાગી તે કારણ સામે આવ્યું નથી. જોકે આગમાં અડધી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. હાલ તો આ કારના માલિક કોણ છે અને આ કારમાં કેવી રીતે આગ લાગી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.