વલસાડ: વલસાડ જિલ્લાના ચણવઈ ગામના દેસાઈ ફળિયામાં આવેલા 90 એકર વિસ્તારના તળાવમાંથી ગેરકાયદેસર રીતે પાણી ખેંચવાના મામલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી મોટર મૂકીને તળાવમાંથી પાણી કાઢી નજીકના નાળામાં ખાલી કરવામાં આવી રહ્યું હતું, જેની જાણ મોડી રાત્રે ગ્રામજનોને થતાં તેમણે તાત્કાલિક સ્થળ પર પહોંચી આ કામગીરી અટકાવી હતી.
Decision news ને મળેલી માહિતી મુજબ સ્થાનિક લોકોના જણાવ્યું કે, તળાવમાંથી પાણી ખાલી કરવા બાબતે ગ્રામસભા બોલાવવામાં આવી નથી. ગ્રામ સભાની ચોક્કસ મંજૂરી વગર કોઈ એક એજન્સી દ્વારા તળાવમાંથી પાણી ખાલી કરવામાં આવતું હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ લગાવ્યા છે. આ કૃત્યથી આગામી ઉનાળામાં પાણીની તીવ્ર અછત સર્જાવાની ભીતિ છે. ગ્રામજનોએ આ મામલે સરપંચને રજૂઆત કરી હતી, પરંતુ તેમણે યોગ્ય જવાબ આપવાને બદલે ઊલટાનું સ્થાનિકોને કાયદેસર કાર્યવાહીની ધમકી આપી હતી.
આ ઘટનાથી ગ્રામજનોમાં રોષ વધુ ભભૂકી ઊઠ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે સરપંચ માટી માફિયાઓ સાથે મળીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મામલે કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે, જે ગંભીર બાબત છે. હાલ સ્થાનિક લોકો દ્વારા તળાવના પાણીના રક્ષણ માટે સતત નિગરાની રાખવામાં આવી રહી છે.