સુરત: ધો.8માં ભણતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. વિધાર્થિનીના પરિવારે સ્કૂલ સંચાલકો પર ચૉકાવનારા આક્ષેપો કર્યાં છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો. વિધાર્થિની ગોડાદરા વિસ્તાર રહેતી હતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ફી નહીં ભરવાને લઇને વિદ્યાર્થિનીને બે દિવસ સ્કૂલ સંચાલકોએ ટોઇલેટ પાસે ઊભી રાખી હતી. આ સિવાય વિદ્યાર્થિની સાથે અનેક વખત આવો વહેવાર સ્કૂલ સંચાલકો દ્વારા કરી બાદમાં દબાણ કરતા હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.

મૃતક વિદ્યાર્થિનીના પિતા રાજુ ખટીકે કહ્યું હતું કે, ઉત્તરાયણ પહેલા મારી દીકરીની પરીક્ષા હતી તો સ્કૂલે પરીક્ષા આપવા દીધી ન હતી. સ્કૂલમાં તેને ક્લાસની બહાર ઊભી રાખવામાં આવી હતી. ઘરે આવીને રડવા લાગી હતી. મેં ફોન કર્યો તો મને કહ્યું કે, તમારી ફી ભરવાની બાકી છે. જેથી મેં આવતા મહિને ફી ભરવા માટે કહ્યું હતું. ત્યારબાદ દીકરી સ્કૂલે જવાની ના પાડતી હતી અને બાદમાં તેને ગળેફાસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. સ્કૂલ વાળા છોકરાઓને ટોર્ચર કરે, કોઈની મજબૂરી હોય મોડું થાય.