સુરત: સાગબારા તાલુકામાં આદિવાસીઓના અધિકારોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે. વન અધિકાર કાયદા 2006 હેઠળ મળેલી જમીન પરથી આદિવાસીઓને બળજબરીપૂર્વક હટાવવાની કાર્યવાહી સામે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને વન મંત્રી મુરૂ બેરા સમક્ષ વિરોધ નોંધાવ્યો છે.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ઉમરપાડા તાલુકાના વડપાડા રેંજમાં પાડી, હલગામ અને નાનીનાલ સહિતના ગામોમાં 22 ડિસેમ્બરથી JCB મશીન દ્વારા આદિવાસીઓના ઊભા પાક અને રહેઠાણના ઝૂંપડાઓને તોડી પાડવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં માત્ર 14 દાવેદારને જ સનદ આપવામાં આવી છે, જ્યારે અન્ય અનેક દાવેદારોના હક પત્રો હજુ બાકી છે.
પૂર્વ ધારાસભ્ય વસાવાએ આરોપ મૂક્યો છે કે સ્થાનિક રાજકારણના ઈશારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે વન કાયદાના નિયમોની સ્પષ્ટ વિરુદ્ધ છે. તેમણે આ ગેરકાયદેસર કાર્યવાહી તાત્કાલિક અટકાવવા, બાકી રહેલા દાવેદારોને હક પત્ર આપવા અને આ સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસની માગણી કરી છે. આદિવાસી ખેડૂતોને ન્યાય અપાવવા માટે તેમણે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે.

