વ્યારા: આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખૂલ્લો પત્ર લખવામાં આવ્યો છે કે તેમણે આદિવાસી સમાજમાં લોકોને જે વાયદાઓ કર્યા હતા તે આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવતા નથી જેને લઈને આદિવાસી સમાજમાં ખૂબ આક્રોશ ફેલાયો છે
Decision news સાથે વાત કરતાં એડવોકેટ જીમ્મી પટેલ જણાવે છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તાપી જિલ્લામાં 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય મહોત્સવની ભવ્ય ઉજવણી માટે પધારી રહ્યા છે તેવા પ્રસંગે ઠેર ઠેર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ફોટા સાથે જનનાયક બિરસા મુંડાનો ફોટો મૂકી ને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા માટેના બેનરો લગાવવામાં આવેલ છે. ગત વર્ષોમાં તાપી જિલ્લાના નાગરિકોને ચૂંટણી ટાણે વાયદાઓ આપવામાં આવેલ હતા. જેમાંથી એક વાયદો જિલ્લા સેવા સદન ખાતે બીરસા મુંડા સર્કલ ઉપર જનનાયક બિરસા મુંડાની પુર્ણ કદની પ્રતિમા મૂકવાનો હતો જે આજ તારીખ સુધી પૂર્ણ કરવામાં આવેલ નથી. જે તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારના લોકો માટે અપમાન બરાબર છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં જનનાયક બિરસા મુંડાનો ફોટો મૂકી કાર્યક્રમ રાખી આમંત્રણ આપો છો. ત્યારે પ્રતિમા મૂકવાનો વાયદો પ્રથમ તો પૂર્ણ થવો જોઈએ. રોડ રસ્તા વીજળીના થાંભલા રાતો રાત ઉભા કરી દેવામાં આવતા હોય ત્યાં પૂર્ણ કદની પ્રતિમા મૂકતા વાર લાગે એમ નથી. તો તાત્કાલિક પ્રતિમા મૂકવાનું કામ પૂર્ણ થવું જોઈએ. તદુપરાંત તાપી જિલ્લાનો બીજો સૌથી સળગતો મુદ્દો હોય તો એ માંડળ ટોલ મુક્તિનો છે જે ભાજપ બારડોલી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ દ્વારા તાપી જિલ્લાનો એક માત્ર સૌથી મોંઘો ટોલ તાપી જિલ્લાના નાગરિકો માટે ટોલ મુક્તિ આપવાનો વાયદો હતો. તે પણ આજે કશેક અભરાય ઉપર મુકાય ગયો હોય તેમ જણાય આવતા તાપી જિલ્લા વતી સ્વતંત્રતા દિવસે તાપી જિલ્લાને ટોલમાંથી પણ સ્વતંત્રતા મળે તે માટે ટકોર મારવા કહ્યું છે.
સાથે સાથે વ્યારા નગરપાલિકાનો બહુચર્ચિત વિવાદ બાબતે પણ મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરતાં અતિ સંવેદનશીલ ભાજપ સરકાર દ્વારા વ્યારા નગરપાલિકામાં આવેલ શંકર ફળિયાના આશરે 70 થી 80 ઘરોને ચોમાસા દરમિયાન ચાલુ વરસાદ સમયે ડિમોલાઇસ કરેલ હતા. અને નાગરિકોને ઘર વિહોણા કરવામાં આવેલ હતા. આ નાગરિકો પ્રત્યે પણ સરકારની સંવેદના બતાવવાનો યોગ્ય સમય અને મૌકો છે એમ જણાવી તેમને આવાસ ફાળવી આપવા માંગણી કરવામાં આવી છે. જો ખરેખર ભાજપ સરકાર નાગરિકો માટે હોય તો તેમણે કરેલા વાયદા તેમણે પૂરા કરવા જોઈએ.