ગુજરાત: આજરોજ ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. મતદાનનો સમય સવારે 7 કલાકથી સાંજે છ કલાક સુધીનો રહેશે. 27 ટકા ઓબીસી અનામત મુજબ ચુંટણી યોજાશે.

રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષ ડો. એસ મુરલીક્રિષ્ણને માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ
27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી
4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
16 ફેબ્રુઆરીએ મતદાન
17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફેર મતદાન
18 ફેબ્રુઆરીએ મત ગણતરી
21 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે

રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષ ડો. એસ મુરલીક્રિષ્ણન
• કુલ બેઠકો – 2178
મતદાન મથકો – 4390
• સંવેદનશીલ મતદાન મથક – 1032
• અતિ સંવેદનશીલ મતદાન મથક – 244
ચૂંટણી અધિકારી – 179
• બેલેટ યુનિટ – 8351
• કન્ટ્રોલ યુનિટ – 5697
ચૂંટણી સ્ટાફ – 25000
• પોલીસ સ્ટાફ – 10000
• પુરુષ મતદારો – 19.40 લાખ
• મહિલા મતદારો – 19.01 લાખ
અન્ય મતદારો – 145

સામાન્ય સાથે પેટાચૂંટણી
પાલિકા અને પંચાયતોની સામાન્યની સાથે પેટાચૂંટણી પણ યોજાશે. જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી સામેલ છે. નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં થાય
રાજ્યમાં અનેક ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાવાની બાકી છે. ,રિઝર્વેશનની કામગીરી ચાલુ હોય હાલ તેની જાહેરાત કરવામાં આવી નથી રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત માટે રિઝર્વેશનની કામગીરી ચાલુ છે તે પૂરી થયા બાદ કરવામાં આવશે.