વલસાડ: વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે લોકસભાના ચાલુ સત્રમાં વલસાડ-નવસારી વિસ્તારની રેલવે સુવિધાઓ વધારવા માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે કોવિડ મહામારી દરમિયાન બંધ કરવામાં આવેલી લોકલ ટ્રેનો ફરીથી શરૂ કરવા, વલસાડ રેલવે સ્ટેશનને અમૃત ભારત યોજનામાં સમાવવા તેમજ વલસાડ, વાપી અને ઉમરગામ રેલવે સ્ટેશન પર નવી ટ્રેનોના સ્ટોપેજની માગણી કરી છે.

Decision news ને મળેલી માહિતી મુજબ વાપી રેલવે સ્ટેશનનો ઉપયોગ દમણ અને દાદરા નગર હવેલીના લોકો પણ કરતા હોવાથી ત્યાં ટ્રેનોના સ્ટોપેજ વધારવાની માગણી કરવામાં આવી છે. સાથે જ, 113 વર્ષ જૂની બીલીમોરા-વઘઈ ટ્રેનને હેરિટેજ ટ્રેન તરીકે જાહેર કરવા અને તેને ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારા સાથે જોડવાની રજૂઆત પણ કરવામાં આવી છે.

સાંસદે વંદે ભારત અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોના સ્ટોપેજની પણ માગણી કરી છે, જે વલસાડ જિલ્લાના નાગરિકોની લાંબા સમયથી પડતર માગણી છે. આ તમામ સુવિધાઓ શરૂ થવાથી રોજ અપ-ડાઉન કરતા મુસાફરોને મોટો લાભ થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આગામી લોકસભાના બજેટ સત્રમાં આ ટ્રેનો તબક્કાવાર શરૂ કરવામાં આવશે તેવી આશા છે.