રાજપીપળા: તાજેતરમાં રાજપીપળા પબ્લિક ગાર્ડનમાં દાબેલી માંથી જીવડું નીકળવાની ઘટનાથી લારીઓ ઉપર ઉભા ગળે ખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, આ લારી ઉપર 6 મહિનામાં જ બીજી વખતની ઘટના બની હોવાનું જાણવા મળે છે, ત્યારે માત્ર 1 હજારના દંડ માજ પાલિકા એ પતાવટ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું,

ત્યારે… ફરી એક વાર લોકોના સ્વાસ્થ્ય સાથે કઈ હદે રમત થઈ રહી છે એની ચોંકાવનારી વિગતો નર્મદા લાઈવની તપાસમાં ધ્યાને આવી છે. થોડાક પૈસા માટે લોકોને પાણી પુરીના નામે ઝેર ખવડાવવાનું કૃત્ય સામે આવ્યું છે, પાણી પુરીના મસાલામાં વાપરવામાં આવતા ચણા એ કોઈ સામાન્ય ખાવા લાયક ચણા નહિ પણ ખાતરની દુકાનથી સરકાર દ્વારા ખેતરમાં વાવેતર માટે વેચવામાં આવતા બીજ નિગમના માર્ક સાથે ના ઝેરી ચણાનો વપરાશ થઈ રહ્યો હોવાનું ઘટસ્ફોટ થયો છે.

રાજપીપળા નગરના એક ખાતરની દુકાને થી ખેતરમાં વાવેતર માટે ગુજરાત રાજ્ય બીજ નિગમના માર્ક સાથેનું લખાણ “ખોરાક, દાણ કે તેલના ઉપયોગમાં લેવું નહિં” તેમજ “બીજ ને પટ આપવા અંદર ઝેરી દવા થાયરમની પડીકી છે” એવું સ્પષ્ટ લખાણ હોવા છતાં, એક પાણી પુરીની લારી ચલાવતા લારી ધારકને ખાતરની દુકાન વાળા દ્વારા 25 kg ની બે કોથળીનું વેચાણ કરાયું હતું. ત્યારે લારી પાસે નીચે રાખેલ આ ચણાની કોથળીઓ જોઈ એક જાગૃત યુવાને લારી ધારકને આ બાબતે પૂછતાં તેણે એ દુકાનનું નામ કહ્યું હતું અને પોતાને આ ઝેરી ચણા છે એની ખબર નથી, એમ કહી સદર કોથળીઓ ખાતરની દુકાન વાળાને પરત કરી રૂપિયા પરત લઈ લીધાં હતાં. ત્યારે દુકાનદારે પૈસા પરત આપતા કહ્યું હતું કે બધી પાણી પુરીની લારીઓ વાડા મારે ત્યાં થી જ લઈ જાય છે, તને શુ વાંધો પડ્યો ?

જો આ ખાતરની દુકાન વાળાનું કથન સાચું હોય તો સમજો પાણી પુરીના ટેસડા લેતા લોકો પોતાના પેટમાં ઝેર તો નથી પધરાવી રહ્યાને ? હવે જેને પોતાના અને પોતાના પરિવારજનોના સ્વાસ્થ્યની ચિંતા હશે એ લોકો લારીઓ ઉપરનું ખોરાક ખાતા પેહલા વિચારશે કે આ ટેસ્ટી પાણી પુરી કે દાબેલી કે પાંવ ભાજી કે અન્ય કોઈ દૂષિત ખોરાક ખાઈને આપણે લાંબા ગાળે કોઈ બીમારીનો શિકાર તો નહીં બનીએ ને ? હાલમાં યુવાનોમાં હાર્ટ એટેક અને કેન્સર સહિતની બીમારીઓ ભારે માઝા મૂકી છે, નાના બાળકો પણ વારંવાર અનેકો બીમારીઓમાં  સપડાઈ રહ્યા છે, ટેસ્ટના શોખીનો લારીઓ ઉપર ઉભા રહી પોતાના પેટમાં દૂષિત ખોરાક પધરાવી રહ્યા છે, અને એમને ખબર નથી પરિણામ શું આવશે ?