વાંસદા: વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં આવતા ગામોમાં રહેઠાણ વિસ્તારોમાં દીપડાઓની સૂચક હાજરીને લઈ ગ્રામજનોમાં ફફટાડ જોવા મળી રહ્યો છે. રાત્રિ દરમિયાન સિણધઇ ગામે કણબીવાડના રહેણાંક વિસ્તારમાં સવારની વહેલી પરોઢે દીપડો ગામમાં બિન્ધાસ્ત ફરતો જોવા મળ્યો હતો.

Decision news ને મળેલ માહિતી મુજબ હાલમાં ઉનાઈ સ્ટેશન વિસ્તારમાં રાત્રી દરમિયાન દીપડો કુતરાના ત્રણ બચ્ચાં ઉપાડી ગયો હતો. ઉપરાંત સિણધઈ રોડે સવારમાં 10 વાગ્યાના અરસામાં દીપડો કૂતરાને ઉચકી જવાની ઘટના બની હતી. એ જ રીતે ઉનાઈ મંદિરની બાજુની ગલીમાં પણ દીપડો આંટાફેરા મારતો જોવા મળ્યો હતો. ઉનાઈના ચરવીમાં દીપડાઓ મોટી સંખ્યામાં હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. થોડા દિવસો પૂર્વે દીપડો ઉનાઇ જીઆઈડીસીની દિવાલ પર રાત્રિએ આરામ ફરમાવી ત્યાં આંટાફેરા મારતો વીડિયો સામે આવ્યો હતો. અવારનવાર રહેઠાણ વિસ્તારમાંથી મરઘાનો શિકાર કરી પલાયન થઇ જતા હોવાનું જાણવા મળ્યું હતું.

સવારના પહોરમાં માર્કેટમાં જતી વેળા ઘણીવાર દીપડાઓ રસ્તા પર દેખાય દેતા હોય છે તેમજ સાંજે પણ ગમે ત્યાં ખેતરોની પાળ પર કે જ્યાં પાણીના સ્ત્રોત હોય ત્યાં પણ અવારનવાર જોવા મળતા હોય છે. તેમજ રાત્રિએ ઘરના કોઢાર પાસે પાલતુ પશુનો શિકાર કરવા આવી રહ્યાં છે. હાલમાં ઉપસળ,વાલઝર ગામોમાં દીપડાના હુમલાને લઈ ભય લાગી રહ્યો છે.વન વિભાગે માત્ર પાંજરા ગોઠવી સંતોષ ન માનવો જોઇએ દીપડાની અવારનવાર હાજરીને લઈ ઉનાઈ વિસ્તારના અનેક ખેડૂતો રાત્રિ દરમિયાન ખેતરે જવાનું ટાળી રહ્યાં છે. હાલમાં દીપડાના હુમલાની ઘટનાને લઈ ખેડૂતોમાં ભય ફેલાયો છે. જેને લઈ આ બાબતે વન વિભાગે પાંજરા ગોઠવ્યા બાદ જેતે સ્થળની મુલાકાત લેવી જરૂરી છે, માત્ર પાંજરા ગોઠવી સંતોષ નહીં માની શકાય.