વાલોડ: બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઇવે પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે પર ઈકો કાર અને પિકઅપ વાહન વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં ઈકો કારનો ચાલક ગંભીર રીતે કારમાં ફસાઈ ગયો હતો. કારમાં ફસાયેલા ચાલકને કટર વડે બચાવાયો.
Decision news ને મળેલી માહિતી મુજબ અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ફસાયેલા ચાલકને બચાવવા માટે તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કારમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમે કટર મશીનનો ઉપયોગ કરીને કારનો ભાગ કાપવો પડયો હતો.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી, જેમાં ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અકસ્માત અંગેની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.

