ઝઘડિયા: ઔદ્યોગિક વિસ્તારોમાં ધબકી રહેલ વિવિધ ઔદ્યોગિક કંપનીઓમાં કામદારો સપ્લાય કરતા લેબર કોન્ટ્રાક્ટરો તેને યોગ્ય નિયમો જાળવતા નથી,એવી વાતો બહાર આવી રહી છે,ત્યારે ઝઘડિયા જીઆઇડીસી પોલીસે GIDCની એક કંપનીમાં પોલીસ વેરિફિકેશન વિના કામદારો મુકનાર લેબર કોન્ટ્રાક્ટર વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

Decision News ને મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ એબોટ હેલ્થકેર નામની કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારોની તપાસ કરતા પાંચ પર પ્રાંતિય કામદારો પણ જણાયા હતા. કોન્ટ્રાક્ટરના સાઇડ સુપરવાઇઝરને પુછતા સદર કોન્ટ્રાક્ટના જવાબદાર ઇન્ચાર્જ યતીનકુમાર રજનીકાંત ભાટીયા રહે.આશ્રય સોસાયટી નંદેલાલ રોડ ભરૂચના હોવાનું જણાયું હતું. આ કોન્ટ્રાક્ટરના અંડરમાં કામ કરતા પર પ્રાંતિય કામદારોનું સ્થાનિક પોલીસ મથકમાં કે ભરૂચ એસઓજીમાં પોલીસ વેરિફિકેશન નહિ કરાવેલ હોવાનું પોલીસને તપાસ દરમિયાન જણાયું હતું. આને લઇને સરકારી જાહેરનામાનો ભંગ થતો હોઇ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે સદર કોન્ટ્રાક્ટના જવાબદાર ઇન્ચાર્જ યતીનકુમાર ભાટીયા વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છેકે ઝઘડિયા જીઆઇડીસીની વિવિધ કંપનીઓમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા પર પ્રાંતિય કામદારોની સંખ્યા મોટી હોવાનું જાણવા મળેલ છે, કંપનીઓમાં લેબર સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરો યોગ્ય રીતે નિયમોની જાળવણી કરતા નથી તે આ ઘટનાથી સાબિત થાય છે,વળી જીઆઇડીસીમાં કાર્યરત આવા લેબર કોન્ટ્રાક્ટરોમાં કેટલા કોન્ટ્રાક્ટરો કાયદેસરતા ધરાવે છે અને કેટલા નિયમોનું પાલન કરે છે,એ બાબતે પણ સઘન તપાસ હાથ ધરાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવે તેવી સંભાવના રહેલી છે.ઉપરાંત કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારોને સરકારી નિયમ મુજબ વેતન ચુકવાય છે કે પછી તેમનું શોષણ તો નથી થતુંને ? એવી ચર્ચાઓ સાથે વિવિધ સવાલો તાલુકાની જનતામાં ઉઠી રહ્યા છે.