ભરૂચ:વાલીયા પોલીસે સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરીઓના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે નવા ભાગા ગામની ચોકડી પાસેથી ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. પકડાયેલા આરોપીઓમાં ધર્મેશ દલસુખ વસાવા, મેહુલ ઇશ્વર વસાવા અને વિશાલ રાયમલ વસાવાનો સમાવેશ થાય છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાલીયા પોલીસ મથકના પીઆઈ એમ.બી. તોમરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઇ વિનોદને બાતમીદાર મારફતે માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે નવા ભાગા ગામની ચોકડી વિસ્તારમાં કોર્ડન કરી ત્રણેય આરોપીઓને પકડી પાડયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી હોન્ડા કંપનીની સાઈન મોટરસાઇકલ (નંબર GJ-16-DA-0315) પણ જપ્ત કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ વાલીયા અને અંકલેશ્વર વિસ્તારમાં કુલ ચાર સોલાર પ્લાન્ટમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. જેમાં વાલીયા વિસ્તારમાં ત્રણ અને અંકલેશ્વરમાં એક ચોરીનો સમાવેશ થાય છે. આમ, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરીઓના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.