વલસાડ: વલસાડ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થયો છે. શહેરમાં સવારનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.
Decision News એ મેળવેલ માહિતી મુજબ મધ્યરાત્રિએ ધરમપુર તાલુકાના કરંજવેરી, મોટીઢોલ ડુંગરી, આશુરા અને મરગમાળ સહિતના ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે વહેલી સવારે ઠંડીનો ચમકારો વધુ અનુભવાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણ અને સૂર્યદર્શનના અભાવે શહેરીજનો ગરમ વસ્ત્રો જેવા કે સ્વેટર, જેકેટ અને શાલ પહેરીને જોવા મળ્યા હતા.
પારનેરા ડુંગર પર ઠંડા પવનના સુસવાટા વચ્ચે જિલ્લાના ખેડૂતો રવિ પાક અને આંબાની માવજતમાં વ્યસ્ત છે. કમોસમી વરસાદને કારણે આંબાવાડી અને શાકભાજીના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાત્રે તાપમાન 22 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે. ખેડૂતો આંબામાં આવનારી રોગ જીવાત ઉપર અંકુશ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે.