કપરાડા: કપરાડા તાલુકામાં એક પરિણીતાએ પોતાના પ્રેમ પ્રકરણ ઉજાગર થવાના કારણે આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે પતિ પત્નીને તેના પ્રેમીને મળવા લઈ ગયો અને પ્રેમીએ તેને ઓળખવાની ના પાડતા આ આપઘાતની ઘટના બની હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આંબા જંગલ માથા ફળિયામાં રહેતા એક ખેડૂતની પત્નીને છેલ્લા એક વર્ષથી એક યુવક સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. ગત રાત્રે ખેડૂત પોતાની પત્નીને બાઇક પર બેસાડીને પ્રેમી યુવક સાથે મિલન માટે લઈ ગયા હતા. જ્યાં પહોંચ્યા બાદ યુવકે પરિણીતાને ઓળખવાની ના પાડી દીધી હતી, જેના કારણે પરિણીતાએ યુવકને 2-3 તમાચા મારી દીધા અને એક વર્ષના પ્રેમ સંબંધને નકારવા બદલ ઠપકો આપ્યો હતો.
આ ઘટના બાદ ખેડૂત પત્નીને ઘરે લઈ આવ્યા હતા. રાત્રિના સમયે પરિણીતાએ પોતાની ઇજ્જત જવાના ડરથી ઘરની નજીક આવેલી કાજુવાડીમાં જઈને કાજુના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. સવારે સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતાં કપરાડા પોલીસ પહોંચી હતી.પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ખેડૂતનું નિવેદન નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પરિણીતાએ રાત્રિના 3થી 5 વાગ્યાની વચ્ચે આ પગલું ભર્યું હતું