ઉમરગામ: લોકસભાના દંડક, વલસાડ- ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને સુરત બાંદ્રા ટરમીનલ્સ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૧૨૩૯૫/૩૬ અપ/ડાઉન ટ્રેનને ઉરમગામ સ્ટેશન ખાતે સ્ટોપેજ માટેની કરેલ લેખિત રજુઆત ફળી છે. ઉમરગામે સ્ટેશન આપવાની લીલી ઝંડી મળી છે. જરૂરી નોટિફિકેશન ની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં ટ્રેન ને સ્ટોપેજ મળતા રોજિંદા અપડાઉન કરતા હજારો મુસાફરોને લાભ મળવાનો શરૂ થઈ જશે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ લોકસભાના દંડક વલસાડ- ડાંગના સાંસદ શ્રી ધવલભાઇ પટેલને ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ ઉમરગામના સ્થાનિક આગેવાનો અને રોજિંદી ટ્રેન મુસાફરી કરતા મુસાફરો દ્વારા સુરત બાંદ્રા ટરમીનલ્સ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૧૨૩૯૫/૩૬ અપડાઉન ટ્રેનને ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ માટે અપાવવા માટેની રજૂઆતો કરી હતી,જનસેવા એજ રાષ્ટ્રસેવા ના ભાવથી લોકોની વચ્ચે સતત કાર્યરત રહી લોકોની સમસ્યાઓ, પ્રશ્નોને વાચા આપી સુખદ નિરાકરણ લાવવા માટે હમેંશા પ્રયત્નશીલ રહેતા સાંસદશ્રી દ્વારા મુસાફરોને પડી રહેલ અગવડતા ને ધ્યાને લઈ ત્વરિત આ સંદર્ભે ગત તારીખ ૭મી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય રેલવે મંત્રી આદરણીય શ્રી અશ્વિની વૈષ્ણવજીને તેમજ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને ટ્રેનને સ્ટોપેજ આપવા માટેની લેખિત રજુઆત કરી હતી.

રેલવે મંત્રીશ્રીને આ અંગે ટેલિફોનિક રજુઆત કરી હતી, જે સંદર્ભે રેલવે મંત્રાલય દ્વારા આ બાબતે સક્રિય અને હકારાત્મક અભિગમ દાખવી સુરત બાંદ્રા ટર્મિનલ્સ ઇન્ટરસિટી અપ/ડાઉન એક્સપ્રેસને ઉમરગામ રેલવે સ્ટેશન ખાતેના સ્ટોપેજની માંગણીને લીલી ઝંડી આપી આ અંગે જરૂરી નોટિફિકેશન ની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે,ટૂંક સમયમાં ટ્રેન ને સ્ટોપેજ આપવામાં આવશે,જેને પગલે રોજિંદા અપડાઉન કરતા હજારો મુસાફરોને આનો લાભ મળશે.