ધરમપુર: આદિવાસી સમાજના ઢોડિયા સમુદાય સમસ્ત બાવીસા કુળ પરિવારનું સંમેલન ધરમપુર ના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આંબા તલાટ દહિગઢ ડુંગરની તળેટીમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ બદલ વ્યક્તિઓ અને ધોરણ ૧૦ અને ૧૨ માં સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને પુરસ્કાર સાથે સન્માનિત કરાયા હતા. સમેલનમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા ઘેરૈયા નૃત્ય, કાહલિયા નૃત્ય, માદળ નૃત્ય, ઢોડિયા બોલીમાં દેવ અને લગ્નગીતો રજૂ થયા હતા.જેનો મુખ્ય આશય આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાનો હતો.
આ અવસરે ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, સંમેલનનો મુખ્ય આશય બાવીસા કુળ પરિવાર ઉત્થાન સાથે આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો છે. આપણે સંસ્કૃતિ સાથે શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે. શિક્ષણ સમાજના વિકાસ માટે ખુબ ઉપયોગી છે. જેના થકી જ સમાજનો વિકાસ થશે. તેમણે સરકારી યોજનાઓનો લાભ મેળવી સમાજનો વિકાસ કરવા અનુરોધ કર્યો હતો.
બાવીસા પરિવારના અને નવસારી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી પરિમલભાઈ પટેલે સમાજના વિકાસ માટે મદદરૂપ બનવા તત્પરતા દર્શાવી હતી. નિવૃત સયુંકત સચિવ શ્રી અંબુભાઇ પટેલે સમાજના વિકાસ માટે શિક્ષણની મહત્તા સમજાવી હતી. આંબા તલાટ ગામના અને સહાયક માહિતી નિયામક શ્રી યુ. બી. બાવીસાએ કાર્યક્રમનું આયોજન સાથે સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સંમેલનમાં કાર્યપાલક ઇજનેર શ્રી મનીષભાઈ પટેલ અને શ્રી અનિલભાઈ પટેલ સહિત સેલવાસા થી મહુવા વિસ્તારમાં વસતા બાવીસા પરિવાર પરિજનોએ રહી કાર્યક્રમની શોભા વધારી હતી.