ધરમપુર-કપરાડા: વલસાડના પુસ્તક પરબ દ્વારા કપરાડાના ચાંદવેંગણ અને ધરમપુરના વાઘવડ ખાતે બે શૈક્ષણિક સંસ્થામાં પુસ્તકો ભેટમાં આપી નાનકડી લાયબ્રેરી ઉભી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અભ્યાસના પુસ્તકો સાથે ઈતર વાંચન કરે એ માટે પુસ્તકો પૂરાં પાડવામાં આવ્યા હતા.
DECISION NEWS ને મળેલી જાણકારી મુજબ આ પુસ્તક પરબ દ્વારા કપરાડાના ચાંદવેંગણ ખાતે વનાંચલ પ્રાથમિક શાળા અને ધરમપુરના વાઘવડ ખાતે સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં અનુક્રમે 101-101 પુસ્તકો થકી લાયબ્રેરી ઉભી કરી આપવામાં આવી છે. કોકિલાબેન વ્યાસ દ્વારા સંચાલિત વનાંચલ પ્રાથમિક શાળા, ચાંદવેંગણમાં મહેશભાઈ ગાંવિત (સીઆરસી), આચાર્ય રમેશભાઈ વળવી તથા શાળા પરિવારનો સહકાર મળ્યો હતો.
વલસાડના માતૃભૂમિ સેવા કેન્દ્ર ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ફૂલેત્રા અને સભ્ય જયંતીભાઈ મિસ્ત્રીના સહકાર અને સુનિલભાઈના આયોજનથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પુસ્તકો ખરીદવામાં આર્થિક સહાય ડૉ.સુધીર જોશી, હેમંત ગોહિલ અને ગીરીશભાઈ પટેલ તરફથી મળી હતી.
વલસાડ પુસ્તક પરબના પ્રણેતા ડૉ.આશા ગોહિલે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન જ ઈતર વાંચનનું મહત્વ સમજાવ્યું હતું. પુસ્તક પરબ વલસાડ ટીમના સભ્ય દિલીપ દેસાઈએ પુસ્તકો જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે એવુ જણાવ્યું હતું. હાર્દિક પટેલે મહાનુભાવોના ઉદાહરણ થકી વિદ્યાર્થીઓને પુસ્તકો વાંચી ઉચ્ચ કારકિર્દી હાંસલ કરવા પ્રેરિત કર્યા હતા. જયંતી મિસ્ત્રીએ યોગ્ય ઉદાહરણ થકી પુસ્તકનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું.
પુસ્તક પરબ ગ્રૂપના આશા ગોહિલ, જયંતી મિસ્ત્રી, હાર્દિક પટેલ, અર્ચના ચૌહાણ, સુનિતા ઢીંમર, જગદીશ આહીર, ટીના પટેલ, હિતેશ પટેલ તથા અન્ય સભ્યોની મદદથી આ પરબ સાકાર થઈ હતી. આ અગાઉ બોપી તથા પિંડવળમાં લાઇબ્રેરી શરૂ કરવામાં આવી હતી.