ભરૂચ: ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યાના સંબંધ લજવાયા. જ્યાં શાળાના પ્રિન્સિપાલ જ ગુરુ શિષ્યના સંબંધો તાર તાર કરી શિક્ષા જગતને લાંછન લગડવાનું કામ કરતા હોય તો શિક્ષાના મંદિરમાં વિદ્યાર્થીનીઓ કેટલી સુરક્ષિત તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે.

ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર આવેલ જાણીતી સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલે પૂર્વ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરી અણછાજતું વર્તન કરવાના મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વાલીઓ લંપટ પ્રિન્સિપાલ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર આવેલ જાણીતી સ્કૂલમાં વર્ષ 2022 થી વર્ષ 2024 દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને લંપટ પ્રિન્સિપલ દ્વારા બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. બાળકી શાળાના ધોરણ 10માં અભ્યાસ કરતી હતી ત્યારે ફાધર કમલેશ રાવલે બાળકીને તેમની ઓફિસમાં બોલાવી શારીરક અડપલા કરી અયોગ્ય વર્તન કર્યું હતું. જે તે સમયે કિશોરીએ બદનામી અને ધમકીના ડરે આ વાત પોતાના પૂરતી મર્યાદિત રાખી હતી. ડિસેમ્બર 2024માં સ્કૂલના ગેટ ટુ ગેધરમાં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે તેને નિશાન બનાવી હતી. ફાધર કમલેશ રાવલની હરકતો હવે હદ વટાવી જતા વિદ્યાર્થિનીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. આ સમય દરમિયાન પ્રિન્સિપાલે કેટલાક વાંધાજનક વોટ્સએપ મેસેજ પણ કર્યા હતા. આ તમામ માહિતી સાથે બાળકીનો પરિવાર પોલીસ મથકે પહોંચતા ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા ફાધર ફરાર થઇ ગયા હોવાની માહિતી સાપડી રહી છે.