વાંસદા: આજરોજ વાંસદા પોલિસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા 3 હોમગાર્ડ્સ જવાનોએ વાંસદા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાલુકા અને વાંસદા પોલિસ સ્ટેશનનું નામ રોશન કરેલ જે બદલ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા ત્રણેયનું આદિવાસી ફાળિયું ઓઢાડી ટ્રોફી, સર્ટિફિકેટ અને નકદ રાશિ આપી સન્માન કરાયું હતું.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ નાનકડા નિદિવે ત્રણેય હોમગાર્ડ્સ જવાનોના બાળસહજ ચિત્ર દોરી મનોરંજન કર્યુ હતું. હોમગાર્ડ્સ પૈકી રણજીત ભોયાએ દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ હતો અને 29 જાન્યુઆરીના રોજ કેરળ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપ સ્પર્ધામાં 100-200 મિટર દોડ અને લોંગ જમ્પમાં ભાગ લેવા જઇ રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. જયારે સારાબેન ગાઈને દોડમાં બીજો ક્રમ અને પાર્વતીબેન બિરારીએ ગોળાફેંક સ્પર્ધામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી વાંસદા પોલિસનું નામ રોશન કરેલ હતું.
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે કોઈપણ સામાન્ય માણસ જે સ્વમહેનતે અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરે તેને નાતજાત ધર્મ જોયા વગર પ્રોત્સાહિત કરવું એ અમારા જેવા આગેવાનોની નૈતિક ફરજ છે. અને અમારા નવસારી જિલ્લામાં જયારે આવી હોનહાર પ્રતિભાઓને સન્માનિત કરવાની હોય તો અમને આનંદની લાગણી થતી હોય છે.