ભરૂચ: ઝઘડિયા જીઆઇડીસીમાં નોકરી કરતો યુવક તા.7 મીના રોજ ઘરેથી શાકભાજી લેવા નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે નવી નગરીમાં રહેતા એક 24 વર્ષીય યુવકનો આજરોજ કુંવરપરા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા નવી નગરી ખાતે રહેતો અનિલભાઇ નટવરભાઇ વસાવા નામનો 24 વર્ષીય યુવક ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો હતો.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ તા.7 મીના રોજ યુવકના પિતા નટવરભાઇ ભીખાભાઇ વસાવા સવારના ઝઘડિયા ત્રણ રસ્તા ઉપર મજુરી કામે ગયા હતા.તેમના પુત્ર અનિલે હાલ પી.એફ.ઉપાડવા કંપનીમાંથી રજા લીધેલ હોય તે ઘરે હતો. ત્યારબાદ સાંજના સાતેક વાગ્યે નટવરભાઇ ઘરે આવ્યા હતા,તે સમયે અનિલ ઘરે હાજર ન હોઇ નટવરભાઇએ પુછતા તેમના પત્નીએ જણાવેલ કે અનિલ સાંજના છ વાગ્યે શાકભાજી લેવા ગયો હતો. પરંતું ત્યારબાદ મોડી રાત સુધી અનિલ ઘરે પાછો ફર્યો ન હતો,તેથી પરિવારજનોએ તેની શોધ કરવા છતાં કોઇ ભાળ મળી ન હતી. દરમિયાન ઝઘડિયા ખાતે રહેતી એક મહિલાએ તા.8 મીના રોજ અનિલને સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં ઝઘડિયા બજારમાં જોયો હોવાની જાણ થઇ હતી,જો કે ત્યારબાદ અનિલની કોઇ ખબર મળી ન હતી.
દરમિયાન આજરોજ તા.10 મીના રોજ તેમની મોટરસાયકલ ઝઘડિયાથી અંધારકાછલા જવાના રોડની સાઈડમાં પડેલ હોવાની ખબર મળતા સ્થળ ઉપર જઇને તપાસ કરતા ઝાડી ઝાંખરામાં અવાવરૂ જગ્યાએથી બે દિવસ અગાઉ ગુમ થયેલ યુવક અનિલનો મૃતદેહ મળી આવ્યો હતો.આ સંદર્ભે ઝઘડિયા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને મૃતદેહને પીએમ માટે ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલ્યો હતો. ઘટના સંદર્ભે મૃતકના પિતા નટવરભાઇ ભીખાભાઇ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયાના શાકભાજી લેવા ગયેલ અને ત્યારબાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલ યુવકનો ત્રણ દિવસ બાદ સીમમાંથી મૃતદેહ મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઇ છે એ બાબતે હાલતો રહસ્ય સર્જાયું છે. પોલીસ તપાસ બાદ જ યુવકના મોતનું સાચું કારણ બહાર આવશે એમ હાલતો જણાઇ રહ્યું છે.

