વલસાડ: મંદિરમાંથી ચોરેલી દાનપેટીને માથે મુકી મહિલા બિન્દાસ ચાલી ગઈ. તપાસમાં મહિલા માનસિક અસ્વસ્થ જણાઈ આવી પારડીના મોતીવાડા ગામમાં સાંગીર કંપની પાછળ થાપડી ફળીયામાં આવેલા વિઘ્નહર્તા ગણપતિના મંદિરમાંથી દાનપેટીની ચોરીનો બનાવ સામે આવ્યો.
Decision News ને મળેલી જાણકારી મુજબ એક મહિલા માથા પર દાનપેટી લઈને જતી હોવાનું ગામલોકોના ધ્યાને આવતા તાત્કાલિક મંદિરમાં તપાસ હાથ ધરી હતી. મંદિરની દાનપેટી ગાયબ હોવાનું જણાતા ગામલોકોએ તરત જ મહિલાનો પીછો કરી પકડી પાડી હતી. ચોરી થયેલી દાનપેટીમાં અંદાજે 5 થી 10 હજાર રૂપિયા રકમ હતી.
મોતીવાડાના સરપંચ જયસુખભાઈના જણાવ્યા મુજબ, જ્યારે ગામલોકોએ પકડાયેલી મહિલાની પૂછપરછ કરી ત્યારે તેણી માનસિક રીતે અસ્થિર હોવાનું જણાયું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગામલોકોએ માનવતાવાદી અભિગમ અપનાવી મહિલા સાથે સહાનુભૂતિપૂર્વક વ્યવહાર કરી જવા દીધી હતી. સમગ્ર ઘટના મંદિર અને ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

