ગુજરાત: પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ગુજરાતીઓને કાતિલ ઠંડીમાં હાલ કોઈ રાહત નહીં, 15 જાન્યુઆરી સુધી બર્ફિલા પવનમાં લોકો ઠુંઠવાશે. અમદાવાદ, મહેસાણા, આણંદ, જૂનાગઢ અને ભાવનગર જેવા એકલ-દોકલ સેન્ટરમાં મહત્તમ તાપમાન ઊંચુ આવતા ઠંડીમાં નજીવો ઘટાડો વર્તાશે ડિસેમ્બરની સરખામણીમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાત ઠંડુગાર રહેશે.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ગુજરાતમાં શિયાળો બરાબરનો જામ્યો છે, ત્યારે ગુજરાતના કેટલાક શહેરોમાં રેકોર્ડ બ્રેક ઠંડી સાથે તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. હાડ થીજવતી ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાની મદદ લઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં પણ ગુજરાતીઓને કાતિલ ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા ના હોવાની આગાહી કરી છે.પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 15 જાન્યુઆરી સુધી ઠંડી અને પવનનું પ્રમાણ વધારે રહેશે.
છેલ્લા ચારેક દિવસથી પવનની ગતિ 20 કિમી કરતાં ઉપર હતી. જો કે આવતીકાલથી તેમાં સામાન્ય ઘટાડો થશે. અત્યારે જે 14 થી 18 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, તેમાં આવતીકાલે સામાન્ય ઘટાડો થતાં પવનની ગતિ 10 થી 15ની થઈ જશે. આગામી 15 જાન્યુઆરી સુધી ઠંડીમાં રાહત મળવાની શક્યતા નહીવત છે. જો કે એકલ-દોકલ સેન્ટરમાં પવનની ગતિ ઘટવાના કારણે સામાન્ય તાપમાન ઊંચુ આવશે, જેથી ઠંડીમાં નજીવો ઘટાડો થશે. આ સ્થિતિ પણ બે દિવસ સુધી જ રહેશે.જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ અમદાવાદ, આણંદ જેવા ગણ્યા ગાંઠ્યા શહેરમાં મહત્તમ તાપમાન એક-બે ડિગ્રી ઊંચુ આવવાથી ઠંડી થોડી ઘટશે. જો કે લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે કે, વહેલી સવારે અને રાતના સમયે ઠંડી યથાવત રહેશે.