રાજપીપળા: આજે રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાના મંદિર સામે નગરપાલિકા દ્વારા ફૂલહાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરીને તેને હટાવી દેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળે પહોંચીને પીડિત લોકોની વાત જાણી હતી.
Decision news ને મળેલી માહિતી મુજબ લોકોને સાથે રાખીને તંત્ર સમક્ષ રજૂઆત કરી અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હરસિધ્ધિ માતાજીના મંદિર સામે ફૂલહાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરીને તેને હટાવી દેવામાં આવી અને તો માલ સામાન જમા કરી લેવામાં આવ્યો હતો.
આ મુદ્દા પર આજે અમે અસરગ્રસ્તોની સાથે મળીને તંત્ર સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા. તેમનું કહેવું હતું કે વર્ષોથી આ લોકો મંદિર સામે પોતાનો ધંધો રોજગાર ચલાવે છે, માટે આ તમામ લોકોને મંદિર સામે પોતાના લારી-ગલ્લા મુકવા દેવામાં આવે, તેવી અમારી માંગણી છે. અહીંયા નગરપાલિકાના ઘણા મુદ્દાઓ છે જેમ કે ગટરના મુદ્દા, પાણીના મુદ્દા, રોડ રસ્તાના મુદ્દા, આવા મુદ્દા પર કોઈ ધ્યાન આપતું નથી અને ગરીબોના લારી ગલ્લા તોડી નાખવામાં આવે છે. સત્તાધીશોએ અમને વિશ્વાસ અપાવ્યો છે કે ગુરુવાર સુધીમાં તમામ લોકોનું કામ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. આજે અમે 1500 લોકોએ સાથે મળીને અહીંયા રજૂઆત કરી છે અને જો ગુરૂવાર સુધીમાં લોકોનું કામ ફરીથી ચાલુ નહીં થાય તો ત્યારબાદ અહીંયા 10 થી 15 હજાર લોકો સાથે અમે ફરીથી રજૂઆત કરવા આવીશું.

