માંડવી: માંડવી તાલુકાના ઉમરખડી ગામમાં યુવાઓ સમયનો યોગ્ય ઉપાય કરી શકે અને ગામમાં જ વાંચન કરીને સરકારી અધિકારીઓ બની શકે તે માટે ગામના લોકો દ્વારા ગામની અંદર આવેલા મકાનનો ઉપયોગ કરીને પુસ્તકાલય તરીકે બનાવી ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રોફેસર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના પૂર્વ એસોસિએટ પ્રોફેસર ડો. રાયસિંગભાઇ બી. ચૌધરીએ તેઓનાં અધ્યક્ષપદે વક્તવ્ય આપ્યું હતું.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ મુખ્ય મહેમનોએ પુસ્તકાલયની અગત્યતા સમજાવીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ દેખાવો માટેનાં દિશા-સૂચનો કર્યાં હતાં. તેમજ નાનીભટલાવના યુવા સરપંચશ્રી અંકિતભાઈ ચૌધરીએ યુવાનો માટે પ્રેરણારૂપ બનીને હાજર રહ્યા હતા. જેમાં યુવાઓએ કેવી રીતે સરકારી અધિકારી બની શકાય તેની માહિતી પૂરી પાડી હતી તેમજ તેમની લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ કેવો સંઘર્ષ કરી સરકારી નોકરી મેળવી ફરજ બજાવી રહ્યા છે તેના વિશે જણાવ્યું હતું. આવનાર સમયમાં આ ગામમાંથી પણ અનેક યુવાનો સરકારી અધિકારીઓ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં નીખીલભાઇ તરફથી પુસ્તકો દાનમાં અપાયાં હતાં અને મદદરૂપ થવા માટે સહયોગ દર્શાવ્યો હતો. ગામના અગ્રણી હિતેશભાઈ દ્વારા યુવાઓ માટે મેદાનની માંગ સાથે પોલીસ ભરતી અને ફિટનેસ જરૂરી છે, તેની માહિતી આપી હતી. આ કાર્યકમ સમગ્ર સંચાલન પ્રો. નવિનભાઇ ચૌધરીએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સરપંચ મીરાબેન, ડે.સરપંચ સરલાબેન તેમજ ઉમરખડી વોર્ડ સભ્ય અને ગામના લોકો હાજર રહ્યા હતા. ગામમાં જ લાઈબ્રેરીની સુવિધા મળતા યુવાનો – યુવતીઓ અને બાળકોએ આનંદની લાગણી અનુભવી હતી.

