વાલોડ: આદિવાસી સમાજના સર્વોચ્ય આગેવાન મરાંગે ગોમકે અને ઓલોમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતીય હોકી ટીમના હોકી કેપ્ટન, ઓક્સફર્ડ બ્લુ એવોર્ડ વિજેતા અને બંધારણ સભાના આદિવાસી સદસ્ય જયપાલસિંહ મુંડાજીની 122 મી જન્મજયંતિની વાલોડ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં હજારો માણસોની જંગી જનમેદની એકત્રિત થઇ હતી.સૌપ્રથમ વાલોડના જયપાલસિંહ મુંડા સર્કલ પાસે ભેગા થઇ તમામ આગેવાનોએ જયપાલસિંહ મુંડાજીને આદરાંજલિ આપી હતી.

ત્યાર બાદ ડીજેના તાલે નાચતા નાચતા હજારો યુવાનો સભા સ્થળે પહોંચ્યા હતાં. ત્યાં ઉપસ્થિત આગેવાનો પૈકી માજી સાંસદ અમરસિંહ ચૌધરી, આદિવાસી સમાજના આદરણીય છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપભાઈ વસાવા, સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ઇન્દુબેન ગામીત,સુભાષભાઈ ચૌધરી,નિલેશ ઝાંબરે, ધનસુખ પટેલ, સતિષ વસાવા, મુકેશભાઈ, હિતેશભાઈ તથા વિવિધ ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને સાવિત્રીભાઈ ફૂલેને એમના જન્મજયંતિ નિમિતે શ્રદ્ધાંજલિ આપી હતી.

ડો. નિરવ ભુલાભાઇ પટેલે જાહેર મંચ પરથી તીખારા સાથે વેદના કાઢતા જણાવેલ કે ભૂતકાળમાં નર્મદા ખાતે પોતાના જીવ સમાન જમીન સંપાદનનો વિરોધ કરી રહેલી મહિલાઓને પોલિસે ઘસડીને મારેલ જેમાં કપડાં પણ ફાટી ગયેલ પરંતુ તે સમયે મોટાભાગના અન્ય સમાજના આગેવાનો ચૂપ રહેલા, આજે એવી જ ઘટના અમરેલી ખાતે પાટીદાર સમાજની દિકરીનો વરઘોડો કાઢવાની ઘટનાનો આદિવાસી સમાજના ઘણા આગેવાનોએ દિકરીના સમાજ કે અન્ય કોઈપણ વાતો ધ્યાને લીધા વગર ખુલ્લો સપોર્ટ આપ્યો છે.હજુપણ સમય છે કે પ્રશાશનની ગેરકાયદેસર હરકતો સામે ભેગા મળીને અવાજ ઉઠાવવાનો ચાલુ કરો નહીંતર એક મરઘી કપાતી હોય ત્યારે બીજી મરઘીઓ દાણા ચણતી હોય તેમ દરેકનો વારાફરતી વારો આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો રાકેશ ચૌધરી-ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારત આદિવાસી સંવિધાન સેના, અમિત ચૌધરી-તાપી જિલ્લા પ્રમુખ, યોગેશ ગામીત, કેતન ચૌધરી, મહેન્દ્ર ચૌધરી, આશિષ ચૌધરી, નિતેશભાઇ ચૌધરી, યતીન ગામીત,  પ્રતીક ચૌધરી,  વિજયભાઈ ચૌધરી,  અજય ગામિત તેમજ લાઈબ્રેરી આદિવાસી ગ્રુપ સહિતના આદિવાસી સમાજના લોકોએ ભારે જહેમત કરી હતી.