વલસાડ : હાલે રાજ્યભરમાં ઇકેવાયસી, અપાર આઇડી, રેશન કાર્ડ લિંક અપ સહિતના મુદ્દે લોકો અટવાઈ રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના બોર્ડર વિલેજ વિસ્તાર સહિત આશરે 27 ગામના લોકોને પણ ઘર આંગણે સુવિધા આપવા કપરાડાના સુથારપાડા ખાતે આધાર કાર્ડ સેન્ટર આપવા નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટે વલસાડના સાંસદ અને લોકસભા દંડકને વલસાડ ખાતે મળી રજૂઆત કરી છે. અગાઉ કપરાડા તંત્રને પણ રજૂઆત કરાઈ હતી, જોકે કોઈ કાર્યવાહી થઈ ન હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના વડોલી સ્થિત નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયેલી રજૂઆતમાં છેલ્લા લાંબા સમયથી બોર્ડર વિલેજના ગામો સુથારપાડા, હુંડા, વડોલી, કોટલ ગામ, બારપુડા, પાંચવેરા, કેલ્ધા, ટોકર પાડા, બિલિયા, પીપલસેટ સહિતના આશરે 27 ગામના લોકોએ આધારકાર્ડ સંલગ્ન કામો માટે કપરાડા સુધી સમયનો વ્યય કરી, રોજી રોટી છોડી પૈસા ખર્ચી બે-ત્રણવાર ધક્કા ખાવા પડે છે.
આ ઉપરાંત સુથારપાડા ખાતે જો આધાર સેન્ટર કીટ ફાળવવામાં આવે તો આ વિસ્તારના લોકો માટે એક સુવિધા ઘરઆંગણે ઊભી થઇ શકે તેમ છે. સાંસદ દ્વારા આ મુદ્દે તાત્કાલિક સબંધિત વિભાગ સાથે વાત કરી મહત્વના મુદ્દાઓ અંગે ઘટતું કરાશે, તેમ જણાવ્યું હતું.

