વાપી: વડાપાઉં લેવા ગયેલ વાપી શહેરના છીરી વિસ્તારમાં શ્રમજીવી પરિવારના એક 7 વર્ષીય બાળકની હત્યા કરેલી હાલતમાં ઝાડીઝાંખરા માંથી મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ગઇ હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ વાપીના છીરી વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં વડાપાવની લારી ચલાવતા એક પરિવારનો સાત વર્ષીય ઓમ જીતકુમાર તંતી નામનું બાળક ગઈકાલ રાતથી ગુમ હતું. પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. પરંતુ આખી રાતની શોધખોળ કર્યા બાદ પણ બાળક નહીં મળતા આખરે સવારે આ અંગે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણતા જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ બાળકની શોધખોળ હાથ ધરી હતી અને આખરે આ બાળકનો મૃતદેહ ઘરથી થોડી દૂર ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક બાળકના શરીર પર તીક્ષ્ણ હથિયારથના ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આથી બાળકની તીક્ષ્ણ હથિયારથી હત્યા નીપજાવવામાં આવી હોય તેવું લાગતા પોલીસે આ મામલે હવે હત્યાનો પણ ગુનો દાખલ કરી આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

બાળકના મૃતદેહને લઈ જતી વખતે પરિવારજનોના કરુણ આક્રંદને કારણે સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા સહિત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીનો કાફલો સ્થળ પર પહોંચી બાળકની હત્યાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.