દિલ્લી: પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થતા જ સમગ્ર દેશમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો ત્યારે આજે મનમોહન સિંહના નિધન કેન્દ્ર સરકારે તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. સરકારે 7 દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટની બેઠક શુક્રવારે સવારે 11 વાગે મળશે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. પૂર્વ પીએમને ગુરુવારે સાંજે બેહોશ થયા બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર કોંગ્રેસે તેના તમામ સત્તાવાર કાર્યક્રમો પણ રદ્દ કર્યા છે.
મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધીએ X પર લખ્યું.. મનમોહન સિંહજીએ અપાર બુદ્ધિમત્તા અને વફાદારી સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી. કૌર અને પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના. મેં એક ગુરુ અને માર્ગદર્શક ગુમાવ્યા છે. આપણામાંથી લાખો લોકો જેઓ તેમના ચાહકો હતા તેઓ તેમને ખૂબ જ ગર્વથી યાદ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું છે કે ભારત તેના સૌથી પ્રતિષ્ઠિત નેતા ડો. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે. સામાન્ય પશ્ચાદભૂમાંથી ઉભરીને તેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી બન્યા. તેઓ નાણાપ્રધાન સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષોથી અમારી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી. સંસદમાં તેમનો હસ્તક્ષેપ પણ ખૂબ જ વ્યવહારુ હતો, અમારા વડાપ્રધાન તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા હતા.
શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે ડૉ.મનમોહન સિંહજી અને હું જ્યારે વડાપ્રધાન હતા ત્યારે અને હું ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નિયમિત વાત કરતા હતા. શાસનને લગતા વિવિધ વિષયો પર અમે ઊંડી ચર્ચા કરતા હતા, તેમની બુદ્ધિમત્તા અને નમ્રતા હંમેશા દેખાતી હતી. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના ડૉ. મનમોહન સિંહ જીના પરિવાર, તેમના મિત્રો અને અસંખ્ય પ્રશંસકો સાથે છે.

