છોટાઉદેપુર: છોટાઉદેપુર તાલુકામાં પ્રસંગોમાં થતા ખોટા સામાજિક ખર્ચા અને કુરિવાજો સામે જાગૃતતા લાવવા માટે યોજાયેલી સમસ્ત આદિવાસી મહાપંચાયતમાં છોટાઉદેપુર તાલુકાના ગામ પટેલો, સરપંચો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો તેમજ સામાજિક આગેવાનો સહિત આજુબાજુના વિસ્તારમાંથી ખુબ મોટી સંખ્યામાં પાંચ હજારથી વધુ લોકો જોડાયા હતા, કાર્યક્રમની શરૂઆત આદિવાસી સંસ્કૃતિ મુજબ બાબા પીઠોરાદેવનું તથા ખત્રી પૂર્વજોનુ પૂજન સાથે પંડાલમાં ઉપસ્થિત તમામ લોકો એ શિસ્તબદ્ધ ઉભા થઇને ધરતી વંદના ગીત “નઇ ભૂલજી આમુ નઇ ભૂલજી ઇયુ ધરતી માતાને નઇ ભૂલજી” થી કરવામાં આવ્યું હતું.
Decision news ને મળેલી માહિતી મુજબ છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા દ્વારા આયોજિત સમસ્ત આદિવાસી મહાપંચાયતમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પરેશભાઈ રાઠવા, ગણી મુનિ રાજેન્દ્ર રાઠવા મહારાજ, જિલ્લા પંચાયત છોટાઉદેપુર આરોગ્ય સમિતિના અધ્યક્ષ ગુમાન ભાઈ રાઠવા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા નગીનભાઈ રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વાનુબેન વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયદીપ રાઠવા,સામાજિક કાર્યકરો, વિનુભાઈ સરપંચ ભોરદલી, ધનસિંગભાઈ મહારાજ રૂનવાડ, ગંભીર ભાઈ સરપંચ, ડો.જિતેન્દ્ર રાઠવા, ગોપાલભાઈ રાઠવા, લક્ષ્મણ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા, ભાવસિંગભાઈ રાઠવા, લાલસિગભાઈ ઝેર, સહિત આગેવાનોએ ઉપસ્થિત રહી સમાજમાં પ્રવર્તમાન સમસ્યાઓ અને તેના ઉકેલ તેમજ સમાજમાં એક પ્રકારની આચારસંહિતા અમલમાં મૂકવામાં આવે તે બાબતે વિસ્તૃત ચર્ચાઓ ચાલી હતી
જેમાં ખાસ કરીને મુળ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણેનાં સામાજિક રીતરિવાજો અને પરંપરાઓ બરકરાર રહે તથા લગ્ન પ્રસંગે વધુ સંખ્યામાં ડીજે સાઉન્ડ નહીં લાવવામાં આવે, મરણ પ્રસંગે નજીકના સગા સિવાય અન્ય એ કપડું નહીં નાખવા, છોકરી-છોકરાનાં ભાંગવા તોડવાના કિસ્સામાં સર્વ સ્વીકૃત રાશિ નક્કી કરવામાં આવે, લગ્નમાં આડેધડ દહેજ નહીં લેવામાં આવે, ઘરેણાં પલ્લામાં પણ સમગ્ર વિસ્તારમાં સમાનતા રહે, નાની ઉંમરના બાળકોને મોબાઈલથી દુર રાખવા માટે સ્વયં વાલીઓ એ દેખરેખ રાખે વગેરે સમાજમાં ઘાતકી દૂષણને ડામવા અટકાવવા સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ બંધારણને અનુસરવામાં આવે અને તે સામાજિક બંધારણ સમિતિ દ્વારા તૈયાર કરીને દરેક ગામોમાં ગામ પટેલ અને સરપંચ સહિતના આગેવાનોને મોકલી આપવામાં આવશે અને તે સામાજિક બંધારણને ચૂસ્ત પણે અમલ કરવાનું રહેશે અને તે પ્રમાણે અમલ નહીં કરનારા ઓને સામાજિક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતુ.
સમસ્ત આદિવાસી મહાપંચાયત દર વર્ષે 25 ડીસેમ્બરના રોજ અલગ અલગ વિસ્તારોમાં આયોજીત કરવામાં આવશે અને જરુરી સામાજિક ચિંતન ચર્ચાઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિ માટે જાગૃતતા લાવવા સહિત સમાજમાં બદલાવ લાવવા અને સામાજિક એકતા અને સંગઠીતતા, સમરસતા બની રહે તેવા પ્રયાસો રહેશે, તેમ સમસ્ત આદિવાસી મહાપંચાયતના આયોજક રાજેશભાઈ લગામીએ જણાવ્યું હતું. કાર્યક્રમનું સુંદર અને સૂચારુ સંચાલન દિનેશભાઇ રાઠવા ગુનાટા જગદીશભાઈ રાઠવા શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતે રાજેશભાઈ લગામી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

