તાપી: આગામી સમયમાં નાતાલ, ખ્રિસ્તિ નવુ વર્ષ અને મકરસંક્રાંતિ જેવા અન્ય તહેવારો આવનાર હોઇ જેને અનુલક્ષી તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ, શાંતિ અને સલામતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તાપીએ એક જાહેરનામું બહાર પાડી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.જાહેરનામા અનુસાર કોઇ પણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા, તલવાર, સોટા, ધોકા, બંદુક, છરા લાકડા કે લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું બીજું કોઇ પણ સાધન સાથે લઇ જવું નહિં.
Decision news ને મળેલી માહિતી મુજબ કોઇ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહિં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ ફેંકવાના કે ધકેલવાના શસ્ત્રો, અથવા સાધનો લઇ જવા નહિં કે એકઠા કરવા નહિં તથા તૈયાર કરવા નહિં. ધાર્મિક સ્થળોએ લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરવું નહિં. તેમજ પ્લાસ્ટિકની કોથળીઓમાં કોઇ પદાર્થ કે પાણી ભરીને ધાર્મિક સ્થળોએ ફેંકવા નહિં. કોઇ રાહદારી કે અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરવું નહિં. જેનાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિં, તેવા હાવભાવ, ચેષ્ટા કરવી નહીં કે તેવા ચિત્રો, પત્રિકા કે પ્લેકાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવી નહિં, બતાવવી નહિં અથવા તેનો ફેલાવો કરવો નહિં.