શિક્ષણ બોર્ડ ગાંધીનગર: તાજેતરમાં સરકાર દ્વારા ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારના સુધારા કરવા માટે વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં દરખાસ્તના આધારે શિક્ષણ વિભાગે પરીક્ષાને લઇને નવો ઠરાવ બહાર પાડયો છે.

Decision Newsને મળતી માહિતી મુજબ ધો. 11 સાયન્સમાં પાસ વિદ્યાર્થી ધો.12 સાયન્સમાં કોઈ પણ ગ્રુપ પસંદ કરી શકશે. ધો. 11 સાયન્સના બીજા સત્રના અંત સુધીમાં પણ ગ્રુપ બદલવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ધો. 12 સાયન્સના ગ્રુપ B માં નાપાસ વિદ્યાર્થી ગ્રુપ A અથવા ગ્રુપ AB પસંદ કરીને પરીક્ષા આપી શકશે.

ધો. 12 સાયન્સમાં ગ્રુપ B ના વિદ્યાર્થીઓ વર્ષ બગાડયા વગર ગણિત વિષય સાથે પરીક્ષા આપી શકશે. જ્યારે ધો. 12 સાયન્સમાં ગ્રુપ B માં પાસ થનાર વિદ્યાર્થી ગણિત વિષય સાથે પૂરક પરીક્ષા આપી શકશે. જોકે જોગવાઈમાં ફેરફાર કરતા સાયન્સ તરફ વિદ્યાર્થીઓનું આકર્ષણ વધે તેવી શક્યતા હોવાનું શિક્ષણવિદો જણાવી રહ્યા છે.